GSTને 1 વર્ષ થયું: અરૂણ જેટલીએ કહ્યું, ‘આવક વધશે એમ સ્લેબ્સ વધારવામાં આવશે’

નવી દિલ્હી – ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) દેશભરમાં લાગુ કરાયાને આજે એક વર્ષ પૂરું થયું છે એ નિમિત્તે અહીં આયોજિત એક કાર્યક્રમમાં કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલીએ કહ્યું કે જીએસટી કર વ્યવસ્થા લાગુ કરીને કરચોરો વિરુદ્ધ કડક પગલાં લેવાતા અને કરવેરાની જાળને વિસ્તારવામાં આવતાં કુલ કરવસુલી આવક નોંધપાત્ર રીતે વધી જશે એ પછી કરવેરાના દરોને વધારે વ્યવહારુ બનાવવામાં આવશે અને જીએસટી સ્લેબ્સની સંખ્યા વધારવામાં આવશે.

કેન્દ્રની મોદી સરકાર આજે જીએસટી દિવસ ઉજવી રહી છે. અરૂણ જેટલીએ દિલ્હીમાં વિડિયો કોન્ફરન્સ દ્વારા જણાવ્યું કે કરવેરા પદ્ધતિ વધારે અસરકારક બની જશે એ પછી કરચોરી થશે નહીં.

એ પ્રસંગે વચગાળાના નાણાં પ્રધાન પીયૂષ ગોયલ, મહેસુલી આવક અને નાણાં વિભાગના સચિવ હસમુખ અઢિયા, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ વિભાગના ચેરમેન એસ. રમેશ તેમજ નાણાં મંત્રાલય તથા રેવેન્યુ વિભાગના ટોચના અધિકારીઓ પણ હાજર હતા.

જીએસટીને ભારતની સૌથી મોટી પરોક્ષ વેરા પદ્ધતિ તરીકે ગણવામાં આવે છે.

જીએસટી લાગુ થયાને એક વર્ષ પૂરું થયું; પીએમ મોદીએ દેશવાસીઓને અભિનંદન આપ્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમની સરકારે ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) દેશભરમાં લાગુ કર્યાને આજે એક વર્ષ પૂરું થયું એ નિમિત્તે દેશની જનતાને અભિનંદન આપ્યા છે.

વડા પ્રધાને ટ્વીટ કરીને જણાવ્યું છે કે હું જીએસટીના એક વર્ષની સમાપ્તિના ખાસ અવસરે દેશની જનતાને અભિનંદન આપું છું. આ કરવ્યવસ્થા સહકારી સમવાયતંત્રનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે અને ટીમ ઈન્ડિયાનો ઉત્સાહ છે. જીએસટીથી ભારતીય અર્થવ્યવસ્થામાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]