જીએસટીએ ભારત-ગુજરાતની અર્થવ્યવસ્થાને નવી દિશા ચીંધી છેઃ નીતિન પટેલ

અમદાવાદ-  જીએસટી ‘વાર્ષિક દિવસ’ની અમદાવાદમાં આજે રવિવારે ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના પ્રસંગે ઉપસ્થિત રહેલાં નાયબ મુખ્યપ્રધાન નિતીનભાઇ પટેલે  જણાવ્યું હતું કે સમાજ કર માળખાના અમલીકરણથી વિશ્વમાં ભારતની પ્રતિષ્‍ઠા વધી છે. સાથોસાથ વ્યાપાર ઉદ્યોગ ક્ષેત્રે પારદર્શિતાના સરકારના મક્કમ પગલાંથી પ્રામાણિકતાનો ઉદય થયો છે.

નિતીનભાઈએ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઇ મોદીએ દેશના વડાપ્રધાન બનતાની સાથે દેશની આર્થિક બાબતોને પ્રાધાન્ય આપ્‍યું છે અને આવનાર પડકારો માટે મક્કમ પગલાં લીધા છે. કાળા નાણા ડામવા, જનધન યોજના, નોટબંધી જેવા અનેક પગલાઓ ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં લીધાં છે. તેમાં જીએસટીના અમલથી દેશના તમામ વ્યાપાર ઉદ્યોગને મોટા પ્રમાણમાં વેગ મળશે. જીએસટીના અમલથી ધંધા-ઉદ્યોગ-વેપારમાં સરળીકરણ થઇ રહ્યુ છે. ગુજરાતમાં જીએસટીનો અમલ શરૂ થયો છે ત્યારે ગુજરાત દેશના વિકાસમાં સહભાગી બન્યું છે. જીએસટીના માધ્યમથી દેશની અર્થ વ્યવસ્‍થાને એક કરવાનું કામ થયું છે.

પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત હંમેશા દરેક બાબતમાં અગ્રેસર રહ્યું છે ત્યારે વેપાર-ઉદ્યોગ અને સેવાને વેગ આપવા તથા ગ્રાહકોને વાજબી કિંમતે માલ અને સેવા પ્રાપ્‍ત થાય તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. આ કાયદાના અમલ માટે જુદા જુદા વિભાગો હવે એક સાથે કામ કરતા થશે એ અર્થમાં વહીવટીતંત્રનું પણ એકત્રિકરણ થયું છે. કોઇપણ યોજના-નિતી બનાવવી સહેલી છે પરંતુ તેનો પરિણામલક્ષી અમલ અને તેના લાભ લોકો સુધી પહોંચાડવાનું કામ કઠિન છે પરંતુ ગુજરાત સરકારે આ દિશામાં સુનિશ્ચિત કામગીરી કરી છે.

મુખ્ય સચિવ જે.એન.સીંઘે પ્રાંસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે યુરોપીયન બજારનો વિકાસ સમાજ કર માળખાથી થયો છે. તેવી રીતે ભારત દેશમાં વન નેશન વન ટેક્ષમાં દાખલ થવાથી વ્યાપાર જગતનો વિકાસ વધુને વધુ પ્રમાણમાં થયો છે.

જીએસટી ચીફ કમિશનર અજય જૈને સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે દેશ માટે ઐતિહાસિક દિવસ બની રહ્યો  હતો . કેન્દ્ર અને રાજયો કર માળખામાં સાથે મળીને કામ કરે છે, જે દેશના વ્યાપાર જગતને આવનાર દિવસોમાં વધુ ઉપયોગી બની રહેશે અને વ્યાપાર ઉદ્યોગમાં સરળતા રહેશે તેવી આશા વ્યકત કરી હતી.

વેચાણ વેરા કમિશનર પી.ડી.વાઘેલાએ ગુજરાતમાં જીએસટી અમલીકરણના આયોજનનો ખ્યાલ આપી જી.એસ.ટીની સમગ્ર પ્રકિયા અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી.

આ પ્રસંગે નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલ, ફિક્કી, GCCI ના ચેરમેન,  IIM ના નિયામક, ઉધોગકારો, અગ્રણીઓ તથા અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]