NSE કો-લોકેશન કૌભાંડમાં GOO આનંદ સુબ્રમણ્યનની ધરપકડ

નવી દિલ્હીઃ નેશનલ સ્ટોક એક્સચેન્જના ભૂતપૂર્વ ગ્રુપ ઓપરેટિંગ ઓફિસર (GOO) આનંદ સુબ્રમણ્યનની CBIએ ધરપકડ કરી હતી. CBI એક્સચેન્જના કો-લોકેશનના કૌભાંડ મામલે ત્રણ વર્ષથી તપાસ કરી રહી છે, જેમાં સુબ્રમણ્યનની CBIએ ગુરુવારે રાત્રે ચેન્નઈથી ધરપકડ કરી છે. NSEના કો-લોકેશન કૌભાંડમાં કેટલીક ગેરરીતિઓ CBIને માલૂમ પડી હતી. એજન્સીએ તેમને દિવસભર તપાસ માટે સવાલો કર્યા હતા, જે પછી એણે તેમની ધરપકડ કરવાનો નિર્ણય કર્યો હતો.

સેબીએ NSEના ભૂતપૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણ અને અન્ય પર આરોપ મૂક્યો હતો કે તેમણે સુબ્રમણ્યનની મુખ્ય સલાહકાર અને એ પછી ગ્રુપ ઓપરેટિંગ ઓફિસર અને MDના સલાહકાર તરીકે નિમણૂક કરી હતી. જેમાં ગવર્નન્સના નિયમોનો ભંગ કર્યો હતો.

સેબીએ રામકૃષ્ણા પર રૂ. ત્રણ કરોડનો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત સેબીએ NSE, સુબ્રમણ્યન, ભૂતપૂર્વ NSE MD અને CEO રવિ નારાયણ –દરેક પર રૂ. બે કરોડ અને મુખ્ય નિયામકીય ઓફિસર અને કોમ્પ્લાયન્સ ઓફિસર વીઆર નરસિંહા પર રૂ. છ લાખનો દંડ ફટકાર્યો હતો.

જોકે ચિત્રાની પૂછપરછ દરમ્યાન ખુદને પીડિત હોવાનો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ કેટલીક વાતોથી અજાણ હતી. તેઓ વારંવાર નિવેદનો બદલી રહ્યાં છે. તેમણે તપાસની દિશા બદલવાની કોશિશ કરી હતી. ચિત્રાએ ખુદને નિર્દોષ હોવાનો દાવો કરતાં કહ્યું હતું કે કોઈ તેમને ફસાવી રહ્યું છે, એમ CBIનાં સૂત્રોએ કહ્યું હતું. જોકે CBIએ ચિત્રા સિવાય NSEના ભૂતપૂર્વ ગ્રુપ ઓપરેટિંગ અધિકારી આનંદ સુબ્રમણ્યન અને ભૂતપૂર્વ CEO રવિ નારાયણની સામે લુકઆઉટ સર્ક્યુલર પણ જારી કર્યો હતો.