મુંબઈઃ ગો-ફર્સ્ટ (અગાઉની ગો-એર) અને સ્ટાર એર દેશની જાણીતી એરલાઈન્સ છે. મુંબઈસ્થિત ગો-ફર્સ્ટ 27 રાષ્ટ્રીય અને 9 આંતરરાષ્ટ્રીય શહેરોને જોડતી વિમાન સેવા ધરાવે છે જ્યારે બેંગલુરુસ્થિત સ્ટાર એર પ્રાદેશિક એરલાઈન છે. આ બંને એરલાઈને જાહેરાત કરી છે કે ટોક્યો ઓલિમ્પિક્સ-2020માં મેડલ જીતનાર 6 એથ્લીટ્સ તથા પુરુષોની હોકી ટીમના તમામ ખેલાડીઓને તેઓ પોતાના વિમાનોમાં મફત પ્રવાસ કરાવશે.
ગો-ફર્સ્ટ તરફથી ઓફર કરાઈ છે કે તે દેશના ટોક્યો ઓલિમ્પિક મેડલવિજેતાઓને આવતા પાંચ વર્ષ સુધી મફત ટિકિટ આપશે. પ્રાદેશિક એરલાઈન સ્ટાર એરનું કહેવું છે કે તે મેડલવિજેતાઓને પોતાના વિમાનોમાં આજીવન મફત પ્રવાસ કરાવશે. સ્ટાર એર દેશમાં 13 શહેરોને જોડતી વિમાન સેવા ધરાવે છે. ઈન્ડીગો એરલાઈને જાહેરાત કરી છે કે જેવેલીન થ્રો રમતમાં દેશનો સૌપ્રથમ ટ્રેક એન્ડ ફિલ્ડ ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરાને તે એક વર્ષ સુધી અમર્યાદિત મફત વિમાન પ્રવાસ કરાવશે.
નીરજ ચોપરાએ જેવેલીન થ્રો રમતમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. તો બે રજત ચંદ્રક જીતનાર છેઃ મીરાબાઈ ચાનુ (મહિલા વેઈટલિફ્ટિંગ) અને રવિકુમાર દહિયા (પુરુષ કુસ્તી-57 કિ.ગ્રા.). ચાર કાંસ્ય ચંદ્રક અપાવનાર છેઃ પી.વી. સિંધુ (મહિલા બેડમિન્ટન), લવલીના બોર્ગોહેન (મહિલા બોક્સિંગ), પુરુષ હોકી ટીમ અને બજરંગ પુનિયા (પુરુષ કુસ્તી 65 કિ.ગ્રા.) ચંદ્રકોની યાદીમાં ભારત 48મા ક્રમે છે.