ભારતે નિકાસ બંધ કરતાં દુનિયામાં ઘઉંના-ભાવ આસમાને

નવી દિલ્હીઃ ઘઉંની નિકાસ પર કડક નિયંત્રણ મૂકવાના ભારત સરકારના નિર્ણયને પગલે દુનિયામાં ઘઉંના ભાવ વિક્રમસર્જક સપાટીએ વધી ગયા છે. એને કારણે વિશ્વ સ્તરે ખાદ્ય કટોકટી પણ સર્જાઈ શકે છે. ઘઉંના પૂરવઠાના મામલે દુનિયાના દેશો ભારત પર નિર્ભર હોય છે, પરંતુ યૂક્રેન-રશિયા યુદ્ધને કારણે ઘઉંની સપ્લાઈને માઠી અસર પહોંચી છે.

દુનિયામાં ભારત દેશ ઘઉંનો સૌથી મોટો ઉત્પાદક છે. પરંતુ ભારતે દરિયાપાર ઘઉંના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેતાં દુનિયાના દેશોમાં ઘઉંની તંગી ઊભી થવા માંડી છે, ઘઉંની કિંમત હજી વધી શકે છે અને પરિણામે ખાદ્ય કટોકટી સર્જાવાની પણ સંભાવના ઊભી થઈ છે. દુનિયાભરમાં ઘઉંની કિંમતમાં 60 ટકાનો વધારો થયો છે. સૌથી સમૃદ્ધ એવા સાત દેશો (G-7)માં ખળભળાટ મચી ગયો છે. એમને ઘઉંમાંથી બનતા બ્રેડ અને નૂડલ્સના વાંધા પડી શકે છે. અમેરિકાના કૃષિ પ્રધાન ટોમ વિલ્સેકે ભારતના ઘઉં નિકાસ પ્રતિબંધ નિર્ણય અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે બજારમાં પારદર્શિતા આવે એ જરૂરી છે.

ભારતમાં આ વર્ષે ઘઉંનું વિક્રમસર્જક ઉત્પાદન થયું છે. સતત પાંચ વર્ષથી ભારતમાં ઘઉંનું ઉત્પાદન સારું થઈ રહ્યું છે. આ વર્ષે ઘઉંની નિકાસ ગયા વર્ષની સરખામણીએ લગભગ 50 લાખ ટન વધારે થવાની ધારણા હતી, પરંતુ હીટવેવ (લૂ)ને કારણે દેશમાં ઘઉંનું સંકટ ઊભું થવાની દહેશત જણાતા કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ કામચલાઉ બંધ કરી દીધી છે. માત્ર પડોશના તથા અમુક જૂજ આવશ્યક દેશોને જ ઘઉંની નિકાસ કરશે.