મુંબઈ તા. 3 ઓગસ્ટ, 2021: ટ્રાન્ઝેક્શન નેટવર્ક સર્વિસીસ (ટીએનએસ) ગુજરાતના ગિફ્ટ સિટી ખાતેના ઈન્ટરનેશનલ ફાઈનાન્સ સર્વિસ સેન્ટરસ્થિત ઈન્ડિયા ઈન્ટરનેશનલ એક્સચેન્જ (ઈન્ડિયા આઈએનએક્સ)ને નવું કનેક્શન પૂરું પાડીને તેની ઉપસ્થિતિને વિસ્તારી રહી છે. નવું કનેક્શન ઈન્ડિયા આઈએનએક્સ માટેના માર્કેટ ડેટા અને ઓર્ડર રૂટિંગ સર્વિસીસને ઝડપથી ઉપલબ્ધ કરે છે.
ઈન્ડિયા આઈએનએક્સનું જુલાઈ 2021માં સરેરાશ દૈનિક ટર્નઓવર 14.97 અબજ ડોલર રહ્યું હતું જે ગિફ્ટ આઈએફએસસીનો 84 ટકા બજાર હિસ્સો દર્શાવે છે. 10 માર્ચ, 2021ના રોજ ઈન્ડિયા આઈએનએક્સ ખાતે સૌથી વધુ દૈનિક ટર્નઓવર 30.3 અબજ ડોલરનું થયું હતું. બીએસઈની સબસિડિયરી ઈન્ડિયા આઈએનએક્સ પ્રથમ એવું ઈન્ટરનેશનલ એક્સચેન્જ છે, જે ચાર માઈક્રો સેકંડનો એન્ડિન રાઉન્ડ ટ્રિપ ટાઈમ ધરાવે છે.
ઈન્ડિયા આઈએનએક્સના એમડી અને સીઈઓ વી. બાલાસુબ્રમણિયમે કહ્યું કે દીર્ઘ કાલીન પ્રતિષ્ઠા, ભરોસાપાત્ર અને સ્થાનિક જાણકારીયુક્ત ટીએનએસનું અમે બોર્ડમાં સ્વાગત કરીએ છીએ અને અમે અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ ટેકનોલોજી અને સર્વિસીસ પૂરી પાડવા તેમની સાથે કામ કરીશું. વૈશ્વિક રોકાણકારો હવે ગિફ્ટ આઈએફએસસીમાં ઈન્ડિયા આઈએનએક્સ સાથે દુનિયામાં ક્યાંયથી પણ જોડાઈ શકશે અને કોઈ પણ ટાઈમ ઝોનમાંથી ઈન્ડિયા આઈએનએક્સનો 22 કલાક માટે સંપર્ક કરી શકાશે.
અમારા ફાઈનાન્સિયલ પોર્ટફોલિયોમાં ઈન્ડિયા આઈએનએક્સ એક મૂલ્યવાન ઉપલબ્ધિ છે. ટીએનએસ સ્થાનિક ટીમો ધરાવે છે અને અમે બીએસઈ સાથે લાંબા ગાળાના સંબંધોને વિસ્તારવા આતુર છીએ, એમ ટીએનએસના પ્રોડક્ટ મેનેજમેન્ટના વાઈસ પ્રેસિડેન્ટ જેફ મેજગરે કહ્યું હતું.
ટીએનએસ એશિયા ભરનાં મોટા ભાગનાં એક્સચેન્જીસને લો લેટન્સી એક્સેસ અને માર્કેટ ડેટા નીચા ખર્ચે અને સરળતાથી પૂરા પાડે છે.