એનએસઈ આઈએક્સ અને એસજીએક્સ ગિફ્ટ કનેક્ટ કાર્યરત

મુ્ંબઈ તા. 3 જુલાઈ, 2023: એનએસઈ ઈન્ટરનેશનલ એક્સચેન્જ (એનએસઈ આઈએક્સ) અને સિંગાપોર એક્સચેન્જ (એસજીએક્સ)એ જાહેર કર્યું છે કે એનએસઈ આઈએક્સ-એસજીએક્સ ગિફ્ટ કનેક્ટ હેઠળ આજ-સોમવારથી ફુલ સ્વિંગમાં કામકાજ શરૂ થયું છે. આજે ‘ગિફ્ટ નિફ્ટી’માં અમેરિકી ડોલરમાં થતા કોન્ટ્રેક્ટનું ટ્રેડિંગ 8.05 અબજ ડોલરના ઓપન ઈન્ટરેસ્ટ સાથે થયું હતું. પ્રથમ સેશનમાં 15.40 વાગ્યે 1.13 અબજ ડોલરનું કામકાજ થયું હતું, જે વિશ્વના રોકાણકારોના મજબૂત વિશ્વાસને દર્શાવે છે.

દેશનું અર્થતંત્ર વિશ્વની ત્રીજા ક્રમાંકની સૌથી મોટી ઈકોનોમી બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ગિફ્ટ કનેક્ટ વિશ્વભરના રોકાણકારોને ભારતમાં રોકાણ કરવાનો સક્ષમ માર્ગ ઉપલબ્ધ કરે છે. ગિફ્ટ કનેક્ટમાં દેશના અને વિશ્વના રોકાણકારોને એક મંચ પર લાવે છે. પરિણામે ઉત્કૃષ્ટ પ્રવાહિતા ઉપલબ્ધ થાય છે.

આ પ્રસંગે આઈએફએસસીએના ચેરમેન ઈંજેતી શ્રીનિવાસે કહ્યું કે, ‘આ ઘટના માત્ર ગિફ્ટ સિટી માટે જ નહિ પરંતુ આંતરરાષ્ટ્રીય નાણાક્ષેત્રે ભારતને મોખરાનું સ્થાન અપાવવાના વડા પ્રધાનના વિઝન મુજબ પણ વિશિષ્ટ છે. ટ્રેડિંગના લાંબા સમય અને ડોલરમાં થતા સોદા વિશ્વ ભરના રોકાણકારોને ભારતમાં આકર્ષશે.’

એમએએસના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અબીગેઈલએ કહ્યું, ‘એનએસઈ આઈએક્સ- એસજીએક્સ ગિફ્ટ કનેક્ટ પૂર્ણપણે કાર્યરત થયું એ માટે બંનેને અભિનંદન.’

એનએસઈના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું કે, ‘એસજીએક્સ નિફ્ટીના ગિફ્ટ નિફ્ટી તરીકેનું સંક્રમણ દેશના મૂડીબજાર માટે મહત્ત્વની ઘટના છે. ગિફ્ટ આઈએફએસસી હવે ભારતમાં રોકાણ કરવા માટેનું સત્તાવાર સ્થાન બની રહ્યું છે. ગુરુપૂર્ણિમાના શુભ દિવસે દેશનું એક ઓર સપનું સાકાર થયું છે.  એસજીએક્સ ગ્રુપ સાથેનું અમારું જોડાણ વિસ્તરતું રહેશે એ સાથે અમે નવાં પ્રોડક્ટ લોન્ચ કરીશું.’