શ્રીમંતોની ટોચની-20ની યાદીમાં ગૌતમ અદાણીની વાપસી

નવી દિલ્હીઃ ભારતીય ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિમાં અચાનક જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. જેથી તેઓ ફરીથી વિશ્વના ટોચના-20 શ્રીમંતોની યાદીમાં સામેલ થયા છે. બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ મુજબ છેલ્લા 24 કલાકમાં અદાણીની નેટવર્થમાં 2.92 અબજ ડોલર અથવા આશરે રૂ. 24,268 કરોડનો વધારો થયો છે.

ગયા સપ્તાહે શુક્રવારે અદાણીની ગ્રુપ કંપનીના શેરોએ શાનદાર દેખાવ કર્યો હતો અને તેજી સાથે બંધ થયા હતા. શેરોમાં આવેલી તેજી થકી અદાણી ગ્રુપનું માર્કેટ કેપ રૂ. 11 લાખ કરોડને પાર થયું હતું. જોકે આ વર્ષના પ્રારંભમાં અમેરિકી શોર્ટ સેલ કંપની હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યા પછી અદાણી ગ્રુપના માર્કેટ કેપમાં ધરખમ ઘટાડો થયો હતો. હિંડનબર્ગ દ્વારા 24 જાન્યુઆરી, 2023એ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો. જેથી આ રિપોર્ટે રોકાણકારોના સેન્ટિમેન્ટ પર વિપરીત અસર પાડી હતી અને ગ્રુપના શેરોમાં સુનામી આવી હતી.

પાછલા વર્ષ 2022માં ગૌતમ અદાણી સૌથી વધુ કમાણી કરતા અબજોપતિઓની યાદીમાં બીજા ક્રમાંકે પહોંચી ગયા હતા, પરંતુ હિંડનબર્ગ રિપોર્ટ આવ્યા પછી બે મહિનાની અંદર તેઓ ટોપ-30ની યાદીમાંથી બહાર નીકળી ગયા હતા. અદાણીની સંપત્તિમાં આ વર્ષે અત્યાર સુધી 56.7 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો હતો.

ગયા શુક્રવારે અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં જોરદાર ઉછાળો જોવાયા બાદ સપ્તાહના પ્રારંભે સોમવારે અદાણી શેરો હાલ તેજીમાં છે. અદાણી એન્ટરપ્રાઇઝિસનો શેર 1.56 ટકા તેજી સાથે રૂ. 2617.50 પર ટ્રેડ કરી રહ્યો છે. આ સાથે ગ્રુપના અન્ય શેરોમાં પણ એક ટકાથી પાંચ ટકા સુધીની તેજી થઈ રહી છે.