વર્ષના સૌથી ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યું પેટ્રોલ…

નવી દિલ્હીઃ ઓઈલના ભાવોમાં છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલી તેજીનો ક્રમ આજે પણ યથાવત રહ્યો. ભારતીય બજારમાં સતત આઠમા દિવસે પેટ્રોલ-ડિઝલના ભાવમાં તેજી આવી. આજે સવારે પેટ્રોલના ભાવમાં 22 પૈસા પ્રતિ લીટરની તેજી સાથે પેટ્રોલ 74.13 રુપિયા પ્રતિ લીટર અને ડીઝલ 14 પૈસા પ્રતિ લીટરની તેજી સાથે 67.07 રુપિયાના સ્તર પર પહોંચી ગયું.

દિલ્હીમાં મંગળવારના રોજ 74.13 રુપિયાના સ્તર પર પહોંચવાની સાથે જ પેટ્રોલે 10 મહિનાનો રેકોર્ડ તોડી દીધો છે. આ પહેલા નવેમ્બર 2018 ના રોજ દિલ્હીમાં પેટ્રોલ 74 રુપિયાના સ્તર પર વહેંચાયું હતું. છેલ્લા 8 દિવસમાં જ પેટ્રોલના ભાવમાં 2 રુપિયા પ્રતિ લીટરથી વધારે અને ડીઝલમાં 1.54 રુપિયા પ્રતિ લીટરની તેજી આવી ચૂકી છે. આ પહેલા સોમવારના રોજ પેટ્રોલમાં 29 પૈસા અને ડીઝલમાં 19 પૈસા પ્રતિ લીટરની તેજી આવી હતી.

મંગળવારના રોજ પેટ્રોલનો ભાવ વધીને કોલકત્તા, મુંબઈ અને ચેન્નઈમાં ક્રમશઃ 76.72 રુપિયા, 79.79 રુપિયા અને 77.07 રુપિતાના સ્તર પર પહોંચી ગયો.ડીઝલનો ભાવ પણ ક્રમશઃ 69.49 રુપિયા, 70.37 રુપિયા અને 70.92 રુપિયાના સ્તર પર પહોંચી ગયા. જાણકારોનું માનવું છે કે આવનારા દિવસોમાં ક્રૂડના ભાવમાં હજી વધારો થાય તેની સંભાવના છે. આની અસર સતત ઘરેલૂ બજારમાં પણ જોવા મળી રહી છે.

આજે સવારે બ્રેંટ ક્રૂડ 63.40 ડોલર પ્રતિ બેરલ અને ડબલ્યૂટીઆઈ ક્રૂડ 58.42 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયો.આપને જણાવી દઈએ કે જુલાઈના રોજ રજૂ થયેલા બજેટમાં પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી અને સેસ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ બંન્નેની કીંમતમાં દોઢથી બે રુપિયા પ્રતિ લીટરની તેજી આવી હતી.