પેટ્રોલ-રુપિયા બાદ ત્રીજી મોટી સમસ્યા, ફોરેક્સ રિઝર્વ 400 અબજ ડોલરથી નીચે

નવી દિલ્હીઃ ડોલરના મુકાબલે ગગડી રહેલો રુપિયો અને દેશમાં વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવે પહેલા જ સરકારને મુશ્કેલીમાં મુકી દીધી હતી ત્યારે બીજી એક સમસ્યા સામે આવી છે. તાજેતરમાં આવેલા આરબીઆઈના રિપોર્ટ અનુસાર દેશના વિદેશ મુદ્રા ભંડારમાં આ વર્ષે ખાસ્સો ઘટાડો જોવા મળ્યો છે.

સાત સપ્ટેમ્બરના રોજ આ 81.95 કરોડ ડોલરથી 399.282 અબજ ડોલર પર આવી ગઈ છે. એક વર્ષમાં આ પ્રથમવાર એવું થયું છે કે જ્યારે વિદેશી મુદ્રા ભંડાર 400 અબજ ડોલરથી નીચે આવી ગયો હોય. રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર આ સતત દ્રિતીય સપ્તાહ છે કે જેમાં વિદેશી મુદ્રા ભંડારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે વિદેશી મુદ્રા ભંડારમાં 1.191 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો હતો. ગત સપ્તાહે પૂર્ણ થયેલા સમયગાળા દરમિયાન વિદેશી મુદ્રા પરિસંપત્તિઓ 88.74 કરોડ ડોલરથી ઘટીને 375.099 અબજ ડોલર પર આવી ગઈ છે. તો બીજી બાજુ ઘણા વર્ષોથી સ્થિર રહ્યા બાદ સુવર્ણ ભંડાર 7.19 કરોડ ડોલરથી વધીને 20.234 અબજ ડોલર પર પહોંચી ગઈ છે.

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષથી ક્લીયરન્સનો વિશેષ અધિકાર 15 લાખ ડોલરથી ઘટીને 1.476 અબજ ડોલર રહી ગયો છે. આઈએમએફમાં દેશનો ભંડાર પણ 25 લાખ ડોલર ઘટીને 2.274 અબજ ડોલર પર આવી ગયો છે. વિશેષજ્ઞોનું માનીએ તો આ ઘટાડો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કીંમતોમાં સતત વધારાથી આ સ્થિતી છે. ભારત પોતાની વિદેશ મુદ્રાનો સર્વાધીક ખર્ચ તેલ ખરીદવા માટે કરે છે. આ માટે ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો છે.