ફોર્બ્સ ઇન્ડિયાની ટોચની શ્રીમંતોની યાદીઃ મુકેશ અંબાણી ટોચ પર

નવી દિલ્હીઃ ફોર્બ્સ ઇન્ડિયાએ ભારતના સૌથી શ્રીમંત ઉદ્યોગપતિઓની યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં અબજોપતિ ઉદ્યોગપતિ અને રિલાન્યસ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ફરીથી ટોચની પોઝિશન પર કબજો કર્યો છે. ફોર્બ્સ ઇન્ડિયાએ અબજોપતિ 2023ની યાદી જારી કરતાં જણાવ્યું હતું કે 92 અબજ ડોલરની નેટવર્થની સાથે અંબાણી ભારતના સૌથી શ્રીમંત વ્યક્તિ છે.

આ સાથે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી 68 અબજ ડોલરની નેટવર્થની સાથે બીજા ક્રમાંકે સરક્યા છે. એની પાછળનું કારણ હિન્ડનબર્ગ રિપોર્ટ હોવાનું મનાય છે. આ સાથે ત્રીજા ક્માંકે HCLના સ્થાપક શિવ નાદર છે. HCLના શેરોમાં એક વર્ષમાં 42 ટકા ઉછાળો આવ્યો છે, જેથી નાદર બે ક્રમાંક આગળ વધીને ત્રીજા ક્રમાંકે આવી ગયા છે.

પાવર અને સ્ટીલ ગ્રુપના જિંદાલ ગ્રુપનાં સાવિત્રી જિંદાલની નેટવર્થમાં 46 ટકાનો વધારો થયો છે. આ છલાંગ સાથે તેઓ કુલ 24 અબજ ડોલરની સંપત્તિ સાથે ચોથા ક્રમાંકે જગ્યા બનાવવામાં સફળ રહ્યા છે. પાંચમા ક્માંકે એવેન્યુ સુપરમાર્કેટના રાધાકૃષ્ણ દામાણી છે. તેમની કુલ નેટવર્થ 27.6 અબજ ડોલરથી ઘટીને 23 અબજ ડોલર થઈ ગઈ છે.

ફોર્બ્સની ટોચની 100 રિચ લિસ્ટમાં એવા ઉદ્યોગપતિઓ પણ સામેલ છે, જેમની નેટવર્થમાં ઓછા સમયમાં ઝડપથી વધારો થયો છે. ફોર્બ્સની યાદીમાં વર્ષ 2023માં માત્ર ત્રણ નવા લોકોનો પ્રવેશ થયો છે.દુબઈ હેડ ક્વાર્ટરવાળી રિટેલ વેચાણ કંપની લેન્ડમાર્ક ગ્રુપનાં અધ્યક્ષ રેણુકા જગતિયાનીનો સમાવેશ થયો છે. એશિયન પેઇન્ટ્સ આ યાદીમાં બીજા ક્રમાંકે છે અને ત્રીજા ક્રમે કપડાંની એક્સપોર્ટર કંપની KPR મિલના સ્થાપક કે. પી. રામાસામીનું નામ સામેલ છે.