નવેમ્બરમાં પણ GST-વસૂલાત 1-લાખ કરોડથી વધુ રહી

નવી દિલ્હીઃ નવેમ્બરમાં સરકારની ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) વસૂલાત રૂ. 1.04 લાખ કરોડ રહી હતી. ગયા વર્ષના નવેમ્બરના GSTની વસૂલાતની તુલનામાં એ 1.4 ટકા વધારે રહી છે, પરંતુ આ વર્ષના ઓક્ટોબરની તુલનામાં GSTની વસૂલાતમાં મામૂલી ઘટાડો નોંધાયો છે. ઓક્ટોબરમાં રૂ. 105 લાખ કરોડ વસૂલી રહી હતી, જ્યારે નવેમ્બર, 2019માં GST વસૂલાત રૂ. 1,03,491 રહી હતી. ચાલુ નાણાકીય વર્ષમાં નવેમ્બર સતત બીજો મહિનો છે, જેમાં GST વસૂલાતનો આંકડો એક લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યો છે. દેશની આર્થિક પરિસ્થિતિ સુધરવાનો આ સંકેત છે, એમ નાણાં મંત્રાલયે જણાવ્યું હતું.

સમીક્ષા હેઠળના મહિનામાં ચીજવસ્તુઓની આયાતની આવક ગયા વર્ષના સમાન મહિનાની તુલનામાં 4.9 ટકા વધુ રહી હતી. જ્યારે ઘરેલુ લેવડદેવડથી આવક ગયા વર્ષની સરખામણીએ 0.5 ટકા વધુ રહી હતી.

નવેમ્બર, 2020માં કુલ GST વસૂલાત રૂ. 1,04,963 કરોડ રહી હતી. એમાં સેન્ટ્રલ GST રૂ. 19,189 કરોડ, સ્ટેટ GST 25,540 કરોડ અને ઇન્ટિગ્રેટેડ GST રૂ. 51,992 કરોડ હતી. આમાં રૂ. 22,078 કરોડ ચીજવસ્તુઓ અને આયાતથી એકત્ર કરવામાં આવ્યા છે. આમાં સેસનું યોગદાન રૂ. 8,242 કરોડ (ચીજવસ્તુઓની આયાત પર એકત્ર કરવામાં આવેલા રૂ. 809 કરોડ સામેલ)નું રહ્યું હતું.

ગયા નાણાકીય વર્ષ 2019-20માં 12માંથી આઠ મહિનામાં GST વસૂલાત રૂ. એક લાખ કરોડથી વધુ રહી હતી. જોકે ચાલુ નાણાકીય વર્ષમાં કોરોના રોગચાળાને કારણે લગાડવામાં આવેલા લોકડાઉનથી GST વસૂલાત પ્રભાવિત રહી હતી. ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલમાં GST વસૂલાત માત્ર રૂ. 32,172 કરોડ, મેમાં રૂ. 62,151 કરોડ, જૂનમાં રૂ. 90,917 કરોડ, જુલાઈમાં 87,422 કરોડ, ઓગસ્ટમાં રૂ. 86,449 કરોડ, સપ્ટેમ્બરમાં રૂ. 95,480 કરોડ અને ઓક્ટોબરમાં રૂ. 1,05,155 કરોડની GST વસૂલાત રહી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]