એર ઈન્ડિયાની ચાર મહિલા-પાઈલટોએ રચ્યો અનેરો ઈતિહાસ

બેંગલુરુઃ એક ઐતિહાસિક પ્રસંગમાં, એર ઈન્ડિયાની તમામ મહિલા પાઈલટની બનેલી ટીમે એર ઈન્ડિયાની સૌથી લાંબી અને ડાયરેક્ટ રૂટવાળી ફ્લાઈટને આજે વહેલી સવારે 3.45 વાગ્યે બેંગલુરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે સફળતાપૂર્વક લેન્ડ કરાવી હતી. આ ચાર મહિલા પાઈલટ – કેપ્ટન ઝોયા અગ્રવાલ, કેપ્ટન પાપાગીરી તન્મેઈ, કેપ્ટન આકાંક્ષા સોનવારે અને કેપ્ટન શિવાનીએ એર ઈન્ડિયાની ફ્લાઈટ AI176ને ગયા શનિવારે અમેરિકાના સેન ફ્રાન્સિસ્કોમાંથી ટેક-ઓફ્ફ કરી હતી અને 16,000 કિ.મી.નું અંતર કાપીને, ઉત્તર ધ્રૂવ પરથી વિમાનને સફળતાપૂર્વક ઉડાડીને બેંગલુરુ ખાતે લેન્ડ કરાવ્યું હતું. તેમની આ સિદ્ધિને કેન્દ્રના નાગરી ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ ટ્વીટ કરીને વખાણી છે અને એમને અભિનંદન આપ્યા છે. એર ઈન્ડિયા કંપનીએ પણ ટ્વીટ કરીને કહ્યું છે, વેલકમ હોમ. અમને તમારા સહુ (મહિલા પાઈલટો) પર ગર્વ છે. અમે AI176ના પ્રવાસીઓને પણ અભિનંદન આપીએ છીએ, જેઓ આ ઐતિહાસિક પ્રસંગના હિસ્સેદાર બન્યા છે.

પાઈલટ ટીમનું નેતૃત્ત્વ કરનાર કેપ્ટન ઝોયા અગ્રવાલે બેંગલુરુ એરપોર્ટ પર પત્રકારોને સંબોધિત કરતાં કહ્યું કે, આજે અમે વિશ્વમાં ઈતિહાસ રચ્યો છે. અમે નોર્થ પોલ પરથી, એટલાન્ટિક સમુદ્ર રૂટ પરથી વિમાન ઉડાડ્યું એટલું જ નહીં, પરંતુ અમે ચારેય પાઈલટ મહિલાઓ હતી અને અમે સફળતાપૂર્વક આ કામગીરી પાર પાડી બતાવી છે. અમને એનો અત્યંત આનંદ થાય છે અને ગર્વની લાગણી પણ થાય છે. આ સમગ્ર રૂટ પરથી વિમાનની સફર કરાવીને અમે 10 ટન ઈંધણની બચત કરાવી આપી છે.

 

કેપ્ટન ઝોયા અગ્રવાલ