ફ્લિપકાર્ટમાં આ વર્ષે ટોચના સ્તરના કર્મચારીઓને ઈન્ક્રીમેન્ટ નહીં

મુંબઈઃ ઈ-કોમર્સ ક્ષેત્રની અગ્રગણ્ય કંપની ફ્લિપકાર્ટે નક્કી કર્યું છે કે તે એના ટોચના સ્તરના કર્મચારીઓને જાન્યુઆરી-ડિસેમ્બર 2022માં બજાવેલી કામગીરી બદલ પગારમાં વધારો નહીં આપે. આ કર્મચારીઓ કુલ સ્ટાફનો 30 ટકા હિસ્સો બને છે. કંપનીમાં કુલ આશરે 4,500 કર્મચારીઓ છે. કંપનીએ કર્મચારીઓને એક આંતરિક સંદેશ મારફત કરી છે. કંપનીના આ નિર્ણયને લીધે ગ્રેડ-10 તથા તેની ઉપરના લેવલ પરના કર્મચારીઓને માઠી અસર પડશે.

અમેરિકાની વોલમાર્ટ કંપનીની માલિકીની ફ્લિપકાર્ટના ચીફ પીપલ ઓફિસર ક્રિષ્ના રાઘવને એક ઈમેલમાં કર્મચારીઓને કંપનીના નિર્ણયની જાણ કરી છે. એમણે લખ્યું છે કે, ‘હાલની વ્યાપક આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અમે ઈચ્છીએ છીએ કે આપણા કર્મચારીઓના સર્વોત્તમ હિતને ધ્યાનમાં રાખીને આપણી પાસેના સ્રોતોનું વિવેકપૂર્ણ રીતે સંચાલન કરવું જોઈએ.’

ફ્લિપકાર્ટના એક અધિકારીએ કહ્યું કે સ્ટાફના બાકીના 70 ટકા કર્મચારીઓને આ વર્ષે ઈન્ક્રીમેન્ટ મળશે.