નાણાપ્રધાન નિર્મલા સીતારામન AIIMSમાં દાખલ

નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારામનને દિલ્હીસ્થિત એઇમ્સ (AIIMS) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.  63 વર્ષીય સીતારામનને બપોરે 12 કલાકે હોસ્પિટલના એક ખાનગી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.  તેમના દાખલ કરવામાં આવ્યા હોવાના સમાચાર એવા સમયે આવ્યા છે, જ્યારે દેશ સામાન્ય બજેટની રાહ જોઈ રહ્યું છે. પહેલી ફેબ્રુઆરીએ દેશનું સામાન્ય બજેટ રજૂ કરવામાં આવનારું છે.

સૂત્રોના જણાવ્યાનુસાર નાણાપ્રધાન નિર્મલા સીતારામનને રૂટિન ચેકઅપ માટે  AIIMSમાં દિલ્હીમાં દાખલ કરવામાં આવ્યાં છે. હાલ તેઓ સ્વસ્થ છે. તેમણે હાલમાં બજેટ વિશે કહ્યું હતું  કે  વર્ષ 2023-24નું બજેટ પણ પહેલાંનાં બજેટો જેવું જ શાનદાર હશે. 21-28 નવેમ્બરના ગાળામાં પ્રી-બજેટ કન્સલ્ટેશન મિટિંગ પણ શરૂ થઈ છે, જેમાં પણ સીતારમણ નિયમિતપણે ભાગ લઈ રહ્યાં હતાં. ગત સપ્તાહે તેમણે એમ પણ કહ્યું હતું કે, ભાવવધારાને ટાળવા સરકાર ફુગાવા પર નજર રાખી રહી છે.

મોંઘવારીને કાબૂમાં રાખવા સરકારે સૌથી અસરકારક કામગીરી કરી છે તેમ જણાવતાં તેમણે કહ્યું હતું કે અન્ય દેશોની સરખામણીમાં ભારતની સ્થિતિ ખૂબ જ સારી કહી શકાય તેમ છે. ક્રૂડ ઓઇલના ભાવ વધવાને કારણે દેશમાં પેટ્રોલ-ડીઝલ તો મોંઘા થયા જ છે જ્યારે સીએનજીમાં પણ મોટો ભાવવધારો થયો છે. ફુગાવો કાબૂમાં રાખવા રિઝર્વ બેંક વ્યાજના દરમાં મોટો વધારો કરી ચૂકી છે ત્યારે નિર્મલા સિતારમણ માટે મધ્યમવર્ગને નારાજ કર્યા વિના ખુશ કરવા તે પડકારજનક બની રહેશે.