અમદાવાદઃ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ છેલ્લાં 10 ટ્રેડિંગ સેશન્સમાં ભારતીય શેરબજારમાં ત્રણ અબજ ડોલરનું મૂડીરોકાણ કર્યું છે. FIIએ આ મૂડીરોકાણ ત્યારે કર્યું છે, જ્યારે અમેરિકાની કેન્દ્રીય બેન્કે આઠમી વાર વ્યાજદરમાં વધારો કર્યો છે. બીજી નવેમ્બરે ફેડરલ રિઝર્વે વ્યાજદરોમાં 0.75 ટકા વધારો કર્યો હતો. FIIએ 20 ઓક્ટોબરથી બીજી નવેમ્બરની વચ્ચે ભારતીય કંપનીઓના શેરોમાં 2.74 અબજ ડોલરનું મૂડીરોકાણ કર્યું છે, આ માહિતી NSDLના ડેટા પર આધારિત છે. NSEના કામચલાઉ ડેટા મુજબ FIIએ ત્રીજી નવેમ્બરે ભારતીય શેરબજારમાં આશરે 677 કરોડ ડોલરનું મૂડીરોકાણ કર્યું છે.
ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ આગામી સમયમાં પણ વ્યાજદરો વધારાશે એવી આ આશા પર પાણી ફેરવ્યું હતું. તેમણે કહ્યું હતું કે હવે પછી વ્યાજદરોમાં વધારો કરવાની શક્યતા નહીંવત્ છે. ગયા મહિને ભારતીય શેરબજારોમાં ઘણો ઉતારચઢાવ જોવા મળ્યો હતો. પહેલી ઓક્ટોબરથી 13 ઓક્ટોબરની વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીમાં આશરે 0.5 ટકાનો ઘટાડો થયો હતો, પણ એ પછી બંને ઇન્ડેક્સોમાં તેજીનું વલણ જોવા મળ્યું છે.
13 ઓક્ટોબર પછી BSE મિડકેપ ઇન્ડેક્સ 3.5 ટકા વધ્યો છે, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ બે ટકા વધ્યો છે. છેલ્લાં 15 ટ્રેડિંગ સેશનમાં BSE અને NSE ઇન્ડેક્સમાં 6-6 ટકાની તેજી થઈ છે. સેન્સેક્સ હાલ 61,000 ને નિફ્ટીએ 18,000ની મનોવૈજ્ઞાનિક સપાટી પાર કરી છે. હવે કંપનીઓનાં સપ્ટેમ્બર ત્રિમાસિક પરિણામો પર બજારની નજર છે. આ ઉપરાંત જેતે રાજ્યોમાં ચૂંટણીનાં પરિણામો પર બજારની ચાલનો આધાર રહેશે.