કાઢી મૂકેલા કર્મચારીઓને ટ્વિટરે હવે પાછાં બોલાવ્યા

સેન ફ્રાન્સિસ્કોઃ ટોચના ઉદ્યોગપતિ ઈલોન મસ્કે 44 અબજ ડોલરમાં ખરીદ્યા બાદ અને એમનો આદેશ આવ્યા બાદ સોશ્યલ મીડિયા ક્ષેત્રની અગ્રગણ્ય કંપની ટ્વિટરએ તેનો અડધો સ્ટાફ ઘટાડી દીધો છે. એ કર્મચારીઓને ઈમેલ દ્વારા જણાવી દેવામાં આવ્યું છે કે એમને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે. હવે કંપનીને તેની ભૂલ સમજાઈ છે. બ્લૂમબર્ગ ન્યૂઝના અહેવાલ મુજબ, ટ્વિટર કંપનીએ કબૂલ કર્યું છે કે કેટલાક કર્મચારીઓને ભૂલથી છૂટા કરી દેવામાં આવ્યા છે. તેથી એણે એવા ડઝનબંધ કર્મચારીઓને નોકરી પર પાછાં આવી જવાની વિનંતી કરી છે. જોકે ટ્વિટર તરફથી આ વિશે કોઈ સત્તાવાર કબૂલાત કે કમેન્ટ કરવામાં આવી નથી.

ટ્વિટરના સેફ્ટી-ઈન્ટીગ્રિટી વિભાગના વડા યોએલ રોથે કહ્યું છે કે કંપનીએ હાલમાં જ એનો 50 ટકા સ્ટાફ ઘટાડી દીધો હતો. અડધા ભાગના કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દીધા છે. આમાં એમના પોતાના જ વિભાગના અનેક સભ્યોનો પણ સમાવેશ થાય છે. કંપનીએ તેના અનેક પ્રોડક્ટ્સ (સેવાઓ)ને પણ રદ કરી દીધી છે અને એન્જિનીયરિંગ ટીમોને પણ સમાપ્ત કરી દીધી છે. એમાં કમ્યુનિકેશન્સ, કન્ટેન્ટ ક્યૂરેશન, હ્યુમન રાઈટ્સ, મશીન લર્નિંગ એથિક્સ જેવી બાબતોનો ચાર્જ સંભાળનાર ટીમોનો સમાવેશ થાય છે.