રિલાયન્સ-ફેસબુક ભાગીદાર બન્યાઃ ફેસબુકે જિયોમાં 9.99% હિસ્સો ખરીદ્યો

મુંબઈઃ અમેરિકાની જગવિખ્યાત ટેક્નોલોજી, સોશિયલ મિડિયા કંપની ફેસબુકે રિલાયન્સ જિયોમાં 9.99% હિસ્સો ખરીદ્યો છે. એ માટે તેણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની ટેલિકોમ કંપનીને રૂ. 43,574 કરોડ ચૂકવ્યા છે.

5.7 અબજ ડોલરના આ સોદા સાથે ફેસબુક જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડમાં સૌથી મોટી માઈનોરિટી શેરહોલ્ડર બની છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે દુનિયાભરમાં કોઈ ટેક્નોલોજી કંપનીએ આટલી મોટી રકમમાં માઈનોરિટી હિસ્સો ખરીદ્યો હોય એવો આ પહેલો જ પ્રસંગ છે. ભારતમાં ટેક્નોલોજી સેક્ટરમાં પણ આ સૌથી મોટું એફડીઆઈ મૂડીરોકાણ છે.

ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગે કહ્યું છે કે રિલાયન્સ Jio અને Facebook મળીને ભારતમાં લોકોને બિઝનેસની નવી તકો પૂરી પાડશે.

ફેસબુક સાથેની આ ભાગીદારીને કારણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પર દેવાનો બોજો હળવો થશે. જ્યારે ફેસબુકને ભારતમાં ઝડપથી વિકાસ પામતી અને વિશાળ-ધરખમ માર્કેટમાં અંકુશ જમાવવાની તક પૂરી પાડશે.

ફેસબુક કંપની તાજેતરના વર્ષોમાં ભારતમાં એક જબરદસ્ત માર્કેટ તરીકે ઉભરી આવી છે. દુનિયાના કોઈ પણ દેશ કરતાં ભારતમાં ફેસબુકના વધારે યુઝર્સ છે. તેની સેટ સર્વિસ વોટ્સએપ તો ભારતમાં 34 કરોડ યુઝર્સ ધરાવે છે.

ફેસબુકે કહ્યું છે કે ભારતમાં નાના વેપારીઓ એકબીજા સાથે આસાનીથી જોડાઈ શકે એ માટે તે પોતાના મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપને રિલાયન્સની ઈ-કોમર્સ કંપની જિયોમાર્ટ સાથે સહયોગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

RILના ચેરમેન મુકેશ અંબાણીએ ફેસબુક સાથેની ભાગીદારી અંગે કહ્યું છે કે 2016માં જ્યારે રિલાયન્સે જિયોની સ્થાપના કરી હતી ત્યારે અમે પ્રત્યેક ભારતીયનું જીવનધોરણ સુધારવા માટે અને ભારતને વિશ્વના ડિજિટલ સમાજમાં મોખરાનું સ્થાન અપાવવા ભારતના ‘ડિજિટલ સર્વોદય’નું સપનું સેવ્યું હતું. તેથી ભારતની ડિજિટલ ઈકોસિસ્ટમનો વિકાસ કરવા અને તમામ ભારતીયોને લાભ અપાવવા માટે રિલાયન્સમાં અમે સૌ ફેસબુકને અમારા લોન્ગ-ટર્મ ભાગીદાર તરીકે આવકારીએ છીએ.

માર્ક ઝુકરબર્ગે એક ફેસબુક પોસ્ટમાં જણાવ્યું છે કે રિલાયન્સ જિયો સાથે સહયોગ કરીને અમે ભારતમાં વધી રહેલી ડિજિટલ ઈકોનોમીમાં વધારે અસરકારક રીતે કામગીરી બજાવવા માટે ભારતના લોકો અને નાના વેપારીઓ માટે નવા માર્ગોનું નિર્માણ કરીશું.

ફેસબુકના આ મૂડીરોકાણને લીધે રિલાયન્સ જિયો માર્કેટ કેપિટલાઈઝેશનની દ્રષ્ટિએ ભારતમાં ટોચની પાંચ લિસ્ટેડ કંપનીઓમાં ગણાતી થશે. કમર્શિયલ સેવાઓ શરૂ કર્યાના માત્ર સાડા ત્રણ વર્ષમાં જ એ આ સિદ્ધિ હાંસલ કરશે.

ફેસબુક સાથેની ભાગીદારી વિશે મુકેશ અંબાણીએ શું કહ્યું? જુઓ અને સાંભળો વિડિયો…