ઈંધણ સસ્તું થશે; પેટ્રોલ, ડિઝલ પરની બેઝિક એક્સાઈઝ ડ્યૂટી પ્રતિ લીટર બે રૂપિયા ઘટાડી દેવાઈ

નવી દિલ્હી – કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પેટ્રોલ અને ડિઝલ (બંને, બ્રાન્ડેડ અને અનબ્રાન્ડેડ) પરની બેઝિક એક્સાઈઝ ડ્યૂટી (આબકારી જકાત) પ્રતિ લીટર બે રૂપિયા ઘટાડી દીધી છે. નવા દર અમલ આજે મધરાતથી અમલમાં આવશે. સરકારના આ નિર્ણયને લીધે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો થવાની આશા છે.

કેન્દ્રીય નાણાં મંત્રાલયે એક ટ્વીટમાં આજે જણાવ્યું છે કે ભારત સરકારે પેટ્રોલ અને ડિઝલ પરની બેઝિક એક્સાઈઝ ડ્યૂટી પ્રતિ લીટર બે રૂપિયા ઘટાડી દીધી છે. નવા દરનો અમલ ૪ ઓક્ટોબરથી કરવામાં આવશે.

ક્રુડ પેટ્રોલિયમ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટવા છતાં ભારતમાં પેટ્રોલ, ડિઝલના ભાવ ઊંચા જઈ રહ્યા હતા એને લીધે જનતામાં રોષની લાગણી પ્રવર્તતી હતી. હવે લોકોનો રોષ ઘટાડવા માટે સરકારે આ બંને પેટ્રોલિયમ ઉત્પાદનો પરની આબકારી જકાત પ્રતિ લીટર બે રૂપિયા ઘટાડી દીધી છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં હવેથી દરરોજ ફેરફાર થતા હોય છે.

પેટ્રોલ, ડિઝલના ભાવ પર ટેક્સની વાત કરીએ તો, પેટ્રોલ પર લગભગ ૩૭ રૂપિયા અને ડિઝલ પર ૨૬ ટેક્સ વસુલ કરવામાં આવે છે.
હવે એક્સાઈઝ ડ્યૂટીમાં પ્રતિ લીટર બે રૂપિયા ઘટાડવાથી જનતાને થોડીક રાહત તો જરૂર મળશે.