નવી દિલ્હીઃ હવે તમારા ખિસ્સામાં પૈસા હોય કે ના હોય, તોપણ તમે દિલ ખોલીને ખર્ચ કરી શકશો. હા, હવે તમારું UPI બિલકુલ ક્રેડિટ કાર્ડની જેમ કામ કરશે. એનો અર્થ છે કે UPIની કેડિટ લાઇન આવી રહી છે. હાલ એ સુવિધા એક્સિસ બેન્ક, HDFC બેન્ક, ICICI બેન્ક, ઇન્ડિયન બેન્ક અને PNBના ગ્રાહકોને મળશે. ત્યાર પછી એનું વિસ્તરણ કરવામાં આવશે.
રિઝર્વ બેન્કે UPIથી ક્રેડિટ લાઇનને મંજૂરી આપી દીધી છે. NPCI UPI દ્વારા નવી સિસ્ટમ લાવી છે. એને પગલે UPI હવે ક્રેડિટ કાર્ડની જેમ કામ કરશે. ક્રેડિટ લાઇનમાં નક્કી લિમિટ સુધીની લોન લઈ શકાશે. એના હેઠળ તમે જેટલો ખર્ચ કરશો એના પર વ્યાજ લાગશે. જોકે એની ચુકવણી નિશ્ચિત સમય પર કરવાની રહેશે. ક્રેડિટ લાઇન યુઝ કરવા પર કોઈ વધારાની ફી નહીં લાગે. હાલ એનો ઉપયોગ માત્ર શોપિંગ માટે કરી શકાશે. આ UPIનું નવું ફીચર છે. એમાં કોઈ નવી પ્રક્રિયાને ફોલો કરવાની જરૂર નહીં હોય.
શું છે ક્રેડિટ લાઇનની સુવિધા?
UPIની ક્રેડિટ લાઇનની સુવિધા પ્રી-અપ્રુવ્ડ લોન જેવી એક સુવિધા છે. એમાં ગ્રાહકોના UPI ખાતા બેન્ક ખાતાઓથી લિન્ક હોય છે. સિબિલ સ્કોરને આધારે ક્રેડિટ લાઇન મળે છે. એમાં ક્રેડિટ કાર્ડની જેમ અમુક રકમની મર્યાદા હશે. ક્રેડિટ લાઇન માટે બેન્કમાં અરજી કરવાની રહેશે. મંજૂરી મળ્યા પછી UPIથી પેમેન્ટ મળશે. આ સુવિધા હેઠળ અકાઉન્ટમાં પૈસા નહીં હોવા પર પણ પેમેન્ટ કરી શકાશે.
આ સુવિધાનો સૌથી મોટો લાભ એ છે કે ગ્રાહકોએ હવે અલગ-અલગ કાર્ડ નહીં રાખવા પડે. ગ્રાહકો UPI દ્વારા પેમેન્ટ કરી શકશે. જોકે ગ્રાહકને ક્રેડિટ લાઇનમાં મંજૂરી મળ્યા પછી એનો ઉપયોગ કરી શકાશે.