મુંબઈઃ દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદક કાચા માલમાં અને પુરજાઓમાં થયેલા વધારાને કારણે ઇલેક્ટ્રિક વાહનો (EVs)ના મોડલોની કિંમતોમાં વધારો કરે એવી શક્યતા છે. ટૂ, થ્રી અને ફોર વ્હીલર EV ઉત્પાદકો હાલ કિંમતોમાં ભાવવધારાને લઈને ગંભીર દબાણમાં છે અને ભાવવધારો 6.8 ટકાનો થાય એવી શક્યતા છે.
ટાટા મોટર્સ અને એથર એનર્જી સહિત કેટલીક કંપનીઓ પહેલેથી જ કિંમતોમાં વધારો કરી ચૂકી છે, જ્યારે અન્ય કંપનીઓ જેવી કે હીરો ઇલેક્ટ્રિક અને કાઇનેટિક ગ્રીન એનર્જી જેવી કંપનીઓ કિંમતોમાં વધારાની સમીક્ષા કરી રહી છે. કાચા માલની કિંમતોમાં થયેલા વધારાને કારણે આ ભાવવધારો કરવો પડ્યો છે, એમ કંપનીઓએ કહ્યું હતું. રશિયા અને યુક્રેન યુદ્ધની સ્થિતિને કારણે નિકલ અને લિથિયમની આયાતમાં વિલંબ અને અન્ય માલસામાનની કિંમતોમાં ભાવવધારો થયો છે, જેથી EVની બેટરીની કિંમતોમાં પાંચ ટકાથી વધુનો વધારો થશે, એમ ઓટોમોટિવ બિઝનેસના વૈશ્વિક સપ્લાયર જાટો ડાયનામિક્સના પ્રમુખે જણાવ્યું હતું.
રશિયા વિશ્વમાં નિકલની 20 ટકા સપ્લાય કરે છે, જે EVમાં બેટરીમાં મહત્ત્વનો પુરજો છે. હાલના સમયે બેટરીના ઉત્પાદકો માર્જિનના દબાણનો સામનો કરી રહ્યા છે, પણ તેઓ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે.
ગયા મહિને બેટરીની કિંમતોમાં મહત્તમ ભાવવધારો જોવા મળ્યો હતો. ઇલેક્ટ્રિક વાહનોની કુલ પડતરમાં બેટરીનો હિસ્સો આશરે 50 ટકા હોય છે. બેટરી ઉત્પાદકો પાસેથી કમસે કમ 20-22 ટકા પડતર ખર્ચમાં વધારો કરવાનું દબાણ છે.