ન્યુ યોર્કઃ ટેસ્લાના CEO એલન મસ્ક ફરી એક વાર વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિ બની ગયા છે. બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ અનુસાર મસ્ક વિશ્વના સૌથી માલેતુજાર વ્યક્તિનું ટાઇટલ હાંસલ કર્યું છે. તેમણે ફ્રાંસના બર્નાર્ડ અરનોલ્ટને પાછળ રાખીને આ સ્થાન હાંસલ કર્યું છે. ટ્વિટર ડીલ અને ટેસ્લાના શેરોમાં ભારે ઘટાડા પછી મસ્કની નેટવર્થમાં ઘણો ઘટાડો આવ્યો હતો, જેને કારણે વિશ્વના અબજોપતિઓની યાદીમાં બીજા ક્રમાંકે પહોંચી ગયા હતા.
આ વર્ષે ટેસ્લા ઇન્ક.ના શેરમાં આશરે 70 ટકા તેજી આવતાં મસ્કની સંપત્તિમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો હતો. ટેસ્લાના શેર છઠ્ઠી જાન્યુઆરીએ ઇન્ટ્રા-ડેના લોથી આશરે 100 ટકા ઉપર છે, કેમ કે રોકાણકારો આર્થિક મજબૂતીના સંકેતો અને ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વૃદ્ધિદરની ધીમી ગતિથી શેરો પર દાવ લગાવી રહ્યા છે.
બ્લુમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સ મુજબ એલન મસ્કની સંપત્તિ વધીને 187 અબજ ડોલર થઈ ગઈ છે, જ્યારે બર્નાર્ડ અરનોલ્ટ 185 અબજ ડોલરની સંપત્તિની સાથે બિલિયોનર લિસ્ટમાં બીજા ક્રમાંકે પહોંચી ગયા છે. મસ્તની સંપત્તિ છેલ્લા 24 કલાકમાં 6.98 અબજ ડોલર વધી ગઈ છે. આ વર્ષે પ્રારંભથી અત્યાર સુધી મસ્કની સંપત્તિમાં 50.10 અબજ ડોલરનો વધારો થયો છે.
ગયા વર્ષે ટેસ્લાના શેરોમાં ભારે ઘટાડો આવવાને કારણે મસ્કને 200 અબજ ડોલરનું નુકસાન વેઠવું પડ્યું હતું. આ કોઈ પણ બિઝનેસમેનની સંપત્તિમાં આવેલો અતાયર સુધીનો સૌથી મોટો ઘટાડો આવ્યો છે.
