ટ્વિટરને-ખરીદવા મસ્ક ફંડ એકઠું કરતા હોવાનો અહેવાલ

ન્યૂયોર્કઃ દુનિયાના નંબર-વન શ્રીમંત અને ટેસ્લા મોટર્સ કંપનીના સીઈઓ ઈલોન મસ્ક અમેરિકાની માઈક્રોબ્લોગિંગ અને સોશિયલ નેટવર્કિંગ સેવા ટ્વિટરને ખરીદવાના પ્રયાસમાં છે. એ માટે જરૂરી નાણાકીય ભંડોળ એકઠું કરવામાં એમને મદદ કરી રહી છે ઈન્વેસ્ટમેન્ટ બેન્ક મોર્ગન સ્ટેન્લી. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, મસ્ક માટે ભંડોળ એકઠું કરવા માટે મોર્ગન સ્ટેન્લી બેન્કો તથા અન્ય સંભવિત ઈન્વેસ્ટરોને તૈયાર કરી રહી છે. આ અહેવાલ અંગે મોર્ગન સ્ટેન્લી, ટ્વિટર કે ટેસ્લામાંથી કોઈએ પ્રતિસાદ આપ્યો નથી.

ન્યૂયોર્ક ટાઈમ્સે સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે મસ્ક કરજને લગતી પેકેજ યોજનાઓ વિશે તેમજ પોતાની ઈલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપની ટેસ્લામાં પોતાના શેર સામે લોન મુદ્દે વિચારે છે. ખાનગી ઈક્વિટી કંપની એપોલો ગ્લોબલ મેનેજમેન્ટ લોન ફંડિંગ સપ્લાય કરે એવી ધારણા છે. 255 અબજ ડોલરની સંપત્તિ ધરાવતા મસ્કે ટ્વિટરને ખરીદવા માટે ગયા અઠવાડિયે ટ્વિટરને ઓફર કરી દીધી હતી. ટ્વિટરની બોર્ડ પરના ડાયરેક્ટરોએ મસ્કની ઓફરને નકારી નથી, પરંતુ રક્ષણાત્મક વ્યૂહરચના અપનાવી છે, જેમાં તેઓ મસ્કને ટ્વિટરમાં 15 ટકાથી વધારે માલિકીહક મેળવતા રોકવા માગે છે. હાલ ટ્વિટરમાં મસ્કનો હિસ્સો 9 ટકાનો છે અને તેઓ સૌથી મોટા વ્યક્તિગત શેરહોલ્ડર છે.