નવી દિલ્હીઃ અમેરિકી ઇલેક્ટ્રિક કારઉત્પાદક ટેસ્લા ભારતીય માર્કેટમાં પ્રવેશવાની તૈયારીમાં છે. કંપની વર્ષ 2021માં ભારતના બજારમાં પ્રવેશશે, એમ ટેસ્લાના CEO એલોન મસ્કે કહ્યું છે. તેમણે ટેસ્લા કારોને ભારતમાં લાવવાની યોજનાનો સંકેત એક ટ્વિટર પોસ્ટના જવાબમાં કર્યો છે, જેમાં ભારતમાં ટેસ્લાના યોજનાબદ્ધ પ્રવેશ વિશે પૂછવામાં આવ્યું હતું.
‘આવતા વર્ષે શ્યોર’, એમ મસ્કે એક ટ્વીટના જવાબમાં કહ્યું હતું. એ ટ્વીટમાં ‘ભારત ટેસ્લાને ઇચ્છે છે’ અને ભારત ટેસ્લાને પસંદ કરે છે એવી ટેગલાઈન છાપેલા ટી-શર્ટ્સની તસવીરો પોસ્ટ કરવામાં આવી હતી. ‘રાહ જોવા બદલ આભાર’, એમ મસ્કે કહ્યું હતું.
Next year for sure
— Elon Musk (@elonmusk) October 2, 2020
મસ્ક ભૂતકાળમાં અનેક પ્રસંગે સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે તેઓ ટેસ્લાને ભારતમાં લાવવા ઇચ્છે છે, પરંતુ 2018ના ટ્વિટર પોસ્ટમાં તેમણે કેટલાક પડકારજનક સરકારી નિયમોને એક અડચણરૂપ ગણાવ્યા હતા. આ ઉપરાંત તેમણે ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક કાર ઉત્પાદકના પ્રવેશમાં વિલંબ બદલ સીધા વિદેશી મૂડીરોકાણના માપદંડોની પણ તીખી આલોચના કરી હતી.
મને ભારતમાં આવવું ગમશે, પણ કેટલાક પડકારજનક સરકારી નિયમો દુર્ભાગ્યપૂર્ણ છે, એમ મસ્કે એક ટ્વિટર વપરાશકર્તાઓના જવાબમાં ટ્વીટ કરતાં કહ્યું હતું, જેણે પોતાના ટવિટર હેન્ડલ પર ભારતમાં કોઈ ટેસ્લા નથી લખ્યું હતું.
આ વર્ષે જુલાઈમાં તેમણે ટેસ્લાના ભારતીય પ્રશંસકોને ઇલેક્ટ્રિક મોડલ ત્રણ- ‘આશા છે ટૂંક સમયમાં’ ચલાવવાની મંજૂરી આપવાના સંકેત આપ્યા હતા.
ચાર વર્ષ પહેલાં કાર બુક કરનારા ફોલોઅર દ્વારા પૂછવામાં આવેલા જવાબમાં મસ્કે કહ્યું હતું કે ટૂંક સમયમાં લોન્ચ થવી જોઈએ. જોકે શુક્રવારનું ટ્વીટ ટેસ્લાની સંભવિત પ્રવેશની ટાઇમલાઇન બતાવે છે.
2015માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેલિફોર્નિયાના પાલો અલ્ટોમાં ટેસ્લાના હેડક્વાર્ટર્સની મુલાકાત લીધી હતી અને મસ્કથી બેઠક યોજી હતી, જેમાં મોદીએ કંપનીના ઇલેક્ટ્રિક કાર પ્લાન્ટની ટુર કરી હતી. ટેસ્લાએ જોકે અત્યાર સુધી ભારત અથવા દક્ષિણ એશિયાના કોઈ અન્ય દેશમાં કોઈ ઇલેક્ટ્રિક કાર લોન્ચ નથી કરી. એકમાત્ર એશિયનાં બજારમાં- ટેસ્લાની હાજરી ચીનમાં છે.