શેરબજારમાં બીજા દિવસે નરમાઈ, સેન્સેક્સ 63 પોઈન્ટ ઘટ્યો

અમદાવાદ– શેરબજારમાં સતત બીજા દિવસે નરમાઈ આગળ વધી હતી. જીએસટીનું કલેક્શન ઘટીને આવ્યું છે અને સામે ફિસ્કલ ડેફિસીટ વધીને આવી છે, જેને પગલે શેરબજારમાં દરેક ઉછાળે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. તેમજ આજે ગુરુવારે ડિસેમ્બર ફયુચર-ઓપ્શન કોન્ટ્રેક્ટનો છેલ્લો દિવસ હતો, પરિણામે ઉભી પોઝીશન સુલટાવારૂપી ટ્રેડિંગ વિશેષ હતા, અને શેરબજારમાં બે તરફી કામકાજે બે તરફી વધઘટ વચ્ચે ઈન્ડેક્સ ઘટ્યા હતા. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 63.78(0.19 ટકા) ઘટી 33,848.03 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 12.85(0.12 ટકા) ઘટી 10,477.90 બંધ થયો હતો.ટ્રેડિંગ સેશનના છેલ્લા કલાકમાં પીએસયુ બેંક, ઓટોમોબાઈલ, એફએમસીજી, આઈટી અને ફાર્મા સેકટરના શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી. એશિયાઈ સ્ટોક માર્કેટની મજબૂતી પાછળ સવારે ભારતીય શેરોના ભાવ ઊંચા ખુલ્યા હતા. પણ ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ ચાલુ રહેતાં શેરોના ભાવ વધ્યા મથાળેથી પાછા પડ્યા હતા. ગઈકાલની બુધવારની ટ્રેડિંગ સેશનમાં પણ ઉછાળે વેચવાલી ફરી વળી હતી. જેથી નરમાઈ રહી હતી. તેમ આજે ગુરુવારે ડિસેમ્બરે એફ એન્ડ ઓની એક્સપાયરીના દિવસે મોટાભાગે ઉભી પોઝિશનો સુલટાવારૂપી ટ્રેડિંગ વિશેષ હતા. આથી માર્કેટ સતત બીજા દિવસે ઘટ્યું હતું.

 • એશિયાઈ સ્ટોક માર્કેટ પ્લસ હતા, જાપાનનો નિક્કી ઈન્ડેક્સ 127 પોઈન્ટ માઈનસ હતો.
 • યુરોપિયન સ્ટોક માર્કેટ બપોરે માઈનસમાં ટ્રેડ કરતાં હતા.
 • આજે નરમ બજારમાં પણ મેટલ, આઈટી, ટેકનોલોજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ સેકટરના શેરોમાં નવી લેવાલીનો દોર રહ્યો હતો, અને તેજી આગળ વધી હતી.
 • બેંક, ઓટો, કેપિટલ ગુડઝ, એફએમસીજી, ફાર્મા, ઓઈલ એન્ડ ગેસ, પીએસયુ સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ ચાલુ રહી હતી.
 • રોકડાના શેરોમાં ઈન્વેસ્ટમેન્ટરૂપી નવી લેવાલી ચાલુ રહી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 18.29 પ્લસ બંધ હતો.
 • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 60.95 પ્લસ હતો.
 • આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ સતત વધી રહ્યા છે, જેની સીધી અસર ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે, અને મોંઘવારી પણ વધશે. જે સમાચારથી શેરબજારમાં ચિંતા હતી.
 • પેટ્રોલમાં 15 ટકા મિથેનોલ ભેળવવાની પૉલીસીને મંજૂરી મળી ગઈ છે, જેથી પેટ્રોલના ભાવમાં ઘટાડો થશે.
 • લોકસભામાં પરિવહનપ્રધાન નિતિન ગડકરીએ કહ્યું હતું કે પેટ્રોલમાં 15 ટકા મિથેનોલ ભેળવવાથી ઈમ્પોર્ટ બિલમાં ઘટાડો થશે અને પ્રદુષણ પણ ઘટશે.
 • સોથી વધુ ઊંચકાયેલા શેરઃ હિન્દાલકો(3.57 ટકા), યુપીએલ(3.10 ટકા), વેદાન્તા(1.99 ટકા), ટાટા સ્ટીલ(1.77 ટકા) અને ડૉ. રેડ્ડી લેબ(1.24 ટકા).
 • સૌથી વધુ ગગડેલા શેરઃ એસબીઆઈ(-2.05 ટકા), હિરો મોટોકોર્પ(-1.85 ટકા), એક્સિસ બેંક(-1.40 ટકા), સન ફાર્મા(-1.37 ટકા) અને અદાણી પોર્ટ્સ(-1.36 ટકા).