સરકાર એર ઈન્ડિયાની હાલત કિંગફિશર જેવી નહીં થવા દેઃ અશોક ગજપતિ રાજુ

નવી દિલ્હીઃ સરકાર એર ઈંડિયાને વિજય માલ્યાની કિંગફિશર એરલાઈન્સ જેવું બનવા દેવા નથી માંગતી. નાગરિક ઉડ્ડયન મંત્રી અશોક ગજપતિ રાજૂએ લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન કહ્યું કે સરકાર એર ઈંડિયાને કિંગફિશર નહી બનવા દે અને એર ઈંડિયા દેશની સેવામાં લાગેલી રહેશે. આપને જણાવી દઈએ કે એર ઈંડિયા 50 હજાર કરોડ રૂપીયાથી વધારેના દેવામાં ડૂબી ગઈ છે. કેંદ્રીય મંત્રીએ પણ જણાવ્યું કે સરકાર નથી ઈચ્છતી કે એર ઈંડિયામાં કામ કરનારા કોઈપણ કર્મચારીને નોકરી ગુમાવવી પડે.

રાજૂએ સદનને જણાવ્યું કે એર ઈંડિયાના વિનિવેશની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પ્રશ્નકાળ દરમિયાન એક પ્રશ્નનો જવાબ આપતા રાજૂએ જણાવ્યું કે કોઈપણ બેરોજગાર બનવાનું ન ઈચ્છે. અમે લોકો નથી ઈચ્છતા કે એર ઈંડિયાની સ્થિતી કિંગફિશર જેવી થઈ જાય. અમે લોકો ઈચ્છીએ છીએ કે એર ઈંડિયા રાષ્ટ્રની સેવા કરે, રાષ્ટ્રના નાગરિકોની સેવા કરે અને વધારે ઉંચાઈઓ પર પહોંચે. તેમણે જણાવ્યું કે નાણાપ્રધાન અરૂણ જેટલીના નેતૃત્વમાં એક મંત્રી સ્તરની સમિતિ એર ઈંડિયાના વિનિવેશ પર કામ કરી રહી છે અને કોઈપણ સાંસદ આ મામલે પોતાની સલાહ આપવી હોય તો તે આ સમિતિને આપી શકે છે.