મુંબઈઃ દેશનાં શેરબજારમાં વોલેટિલિટી સાથે તેજીનો માહોલ પ્રવર્તી રહ્યો છે ત્યારે સાથે-સાથે રોકાણકારોને ઠગવાની દુકાનો ચલાવતા લોકોના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. ઝડપથી નાણાં કમાવી લેવાના ખ્વાબમાં રાચતા લોકોને ઠગવા માટે દેશમાં ગેરકાયદે ટ્રેડિંગ પ્લેટફોર્મ ફૂટી નીકળ્યાં છે, જેને ‘ડબ્બા ટ્રેડિંગ’ કહેવાય છે. આ પ્લેટફોર્મ પર થતા સોદાઓ ગેરકાયદે છે અને તેને એક્સચેન્જની માન્યતા નથી એવી સ્પષ્ટતા સાથે નેશનલ સ્ટોક એક્સચેન્જે રોકાણકારોને ચેતવણી આપી છે કે આવાં પ્લેટફોર્મ્સ વિરુદ્ધ કાનૂની કારવાઈ કરવામાં આવી રહી છે.
એનએસઈએ જણાવ્યું છે કે મોબાઈલ નંબર “9995103502” મારફત “જેન્સમોન વી. જ્યોર્જ’’ નામની વ્યક્તિ ખાતરીબંધ વળતરની ઓફર સાથે ડબ્બા ટ્રેડિંગની સવલત રોકાણકારોને પૂરી પાડી રહી છે. આ વ્યક્તિ રોકાણકારોને તેમના ટ્રેડિંગ એકાઉન્ટને ઓપરેટ કરવાની ઓફર કરે છે અને એ માટે યુઝર આઈડી અને પાસવર્ડ માગે છે. રોકાણકારોને સાવધ કરવામાં આવે છે કે તેઓ તેમના યુઝર અને પાસવર્ડ કોઈની પણ સાથે શેર ન કરે. રોકાણકારોએ આવાં ગેરકાયદે પ્લેટફોર્મ પર ટ્રેડિંગ કરીને પોતાનાં સંસાધનો જોખમમાં ન મૂકવાં જોઈએ.