ડિજિટલ મિડિયા આવકની દ્રષ્ટિએ 2024માં ટેલિવિઝનને પાછળ છોડશે

નવી દિલ્હીઃ વર્ષ 2024માં ડિજિટલ મિડિયા આવકને મામલે ટેલિવિઝનને પાછળ છોડી દેશે. ડિજિટલ મિડિયાની આવક વધીને રૂ. 751 અબજ થવાની શક્યતા છે, જ્યારે ટેલિવિઝનની આવક રૂ. 718 અબજ રહેવાનો અંદાજ છે, એમ બિઝનેસ ચેમ્બર ફિક્કીના રિપોર્ટમાં ખુલાસો થયો છે.

વર્ષ 2023માં દેશમાં મિડિયા અને એન્ટરટેઇનમેન્ટ સેક્ટરે જોરદાર ગ્રોથ દર્શાવ્યો છે અને એ 8.1 ટકાના ગ્રોથ (રૂ. 173 અબજ)ની સાથે રૂ. 2.32 લાખ કરોડે પહોંચ્યો છે. અહેવાલમાં અંદાજ દર્શાવવામાં આવ્યો છે કે વર્ષ 2024માં એ પાર કરે એવી શક્યતા છે. આ વર્ષે 10 ટકાના ગ્રોથ રેટની સાથે કુલ રેવેન્યુ રૂ. 2.55 લાખ કરોડ રહેવાનો અંદાજ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યો છે.

વર્ષ 2023થી 2026 દરમ્યાન ટેલિવિઝનની આવક 3.2 ટકાથી દરથી વધશે, જ્યારે ડિજિટલ મિડિયાની રેવેન્યુ ડબલ ડિજિટ ગ્રોથ દેખાડશે અને એમાં 13.5 ટકાના દરે વધવાનો અંદાજ છે. વર્ષ 2026 સુધી મિડિયા અને એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રની આવક રૂ. 3.08 લાખ કરોડને પાર કરી જશે. કોરોના રોગચાળા સમયે આ સેક્ટર 21 ટકા ગ્રોથ રહ્યો હતો, પરંતુ ટેલિવિઝન, પ્રિન્ટ ને રેડિયો 2019ના સ્તરથી પાછળ ચાલી રહ્યાં છે.

ટેલિવિઝન સિવાય 2023માં મિડિયા અને એન્ટરટેઇનમેન્ટની આવક રૂ. 172 કરોડ વધી છે, જોકે 2022ના રૂ. 371 અબજ ડોલરથી અડધી રહી છે. જાહેરાતમાં ઘટાડાને પગલે આવકમાં ઘટાડો થયો હતો, જ્યારે ડિજિટલ અને ઓનલાઇન ગેમિંગ ક્ષેત્રે 2023માં રૂ. 122 અબજની આવક રહી છે.

બધાં સેગમેન્ટમાં ટેલિવિઝનના ગ્રોથ રેટમાં 2022ની તુલનાએ 2023માં બે ટકા નેગેટિવ ગ્રોથ જોવા મળ્યો હતો. ટેલિવિઝન જાહેરાતમાં 6.5 ટકાનો ઘટાડો થયો છે, કેમ કે ગેમિંગ અને D2C બ્રાંડે જાહેરાત ખર્ચ ઓછો કરી દીધો છે, જ્યાકે ડિજિટલ જાહેરાતમાં 15 ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે. ડિજિટલ સબસ્ક્રિપ્શનની રેવન્યુમાં નવ ટકાનો ઉછાળો આવ્યો છે અને એ રૂ. 78 અબજએ પહોંચ્યો છે, એમ અહેવાલ કહે છે.