નવી દિલ્હીઃ દેશમાં ધનતેરસના દિવસે સોના-ચાંદીની ધૂમ ખરીદી કરવામાં આવી રહી છે. દેશમાં દિવાળી તેજીનો માહોલ છે. દેશમાં જ્વેલર્સ એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે રૂ. 27,000 કરોડ સોનાનું અને 400 ટન ચાંદીનું વેચાણ થયું છે. દેશમાં આશરે રૂ. 30,000 કરોડનાં સોનાનું અને રૂ. 3000 કરોડના ચાંદીનું વેચાણ થયું છે, એમ ઓલ ઇન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ પંકજ અરોડાએ જણાવ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે ગયા વર્ષે ધનતેરસે રૂ. 25,000 કરોડના સોના-ચાંદીના વેચાણ થયાં હતાં. ગયા વર્ષે તો સોનાનો ભાવ પણ પ્રતિ 10 ગ્રામ રૂ. 52,000 હતો, જે આ વખતે પ્રતિ 10 ગ્રામ રૂ. 62,000 સુધી પહોંચ્યો હતો. કીમતી ધાતુ ચાંદી રૂ. 58,000 પરથી વધીને પ્રતિ કિલો રૂ. 72, 000એ છે.
દેશમાં આશરે ચાર લાખ જેટલા નાના-મોટા જ્વેલર્સ છે કે જેમાંથી 1,85,000 તો બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ માન્યતા પ્રાપ્ત છે. 2,25,000 નાના જ્વેલર્સ છે, જેમને હજુ BIS માન્યતા પ્રાપ્ત નથી, કેમ કે તેA નાના વિસ્તારમાં આવેલા છે. દેશમાં પ્રતિ વર્ષ સોનું 800 ટન અને ચાંદી 4000 કિલો વિદેશમાંથી આયાત કરવામાં આવે છે.
કેટના રાષ્ટ્રિય અધ્યક્ષ બીસી ભરતિયા અને નેશનલ સેક્રેટરી પ્રવિણ ખંડેલવાલના જણાવ્યા અનુસાર ધનતેરસના દિવસે શ્રી ગણેશ જી, શ્રી લક્ષ્મીજી, શ્રી કુબેર જીની મૂર્તિઓ અથવા ચિત્રોની ખરીદી કરવામાં આવી રહી છે, જ્યારે આ દિવસે વાહનો, સોના-ચાંદીના દાગીના, સાવરણી સાથે વાસણો, રસોડાના ઉપકરણો, ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓની ખરીદી પણ શુભ માનવામાં આવે છે.