નવી દિલ્હીઃ રાંધણગેસના સિલિન્ડર, ઈંધણ તથા જીવનાવશ્યક ચીજવસ્તુઓની કિંમતમાં થયેલા વધારાને કારણે દેશભરમાં નાગરિકો પરેશાન છે. શાકભાજીની કિંમત પણ વધી ગઈ હોવાથી ગૃહિણીઓનું દૈનિક બજેટ ખોરવાઈ ગયું છે. એમાં છેલ્લા અમુક દિવસોથી ઘઉં તથા ઘઉંના લોટની કિંમતમાં પણ વધારો થવાથી લોકોમાં સરકાર વિરુદ્ધ રોષ ફેલાયો હતો. હવે લોકોને રાહત મળે એ માટે કેન્દ્ર સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે.
સરકાર આગામી અમુક અઠવાડિયામાં ખુલ્લા બજારમાં વધુ 20 લાખ ટન ઘઉં વેચવા ઉતારવાની છે. ખુલ્લા બજારમાં વેચાણ માટે 30 લાખ ટન ઉતારવાના સરકારે ગઈ 25 જાન્યુઆરીએ લીધેલા નિર્ણયના ઉપરાંતના આ ઘઉં હશે. આવનારા દિવસોમાં ખુલ્લા બજારમાં વધુ સરકારી ઘઉં વેચાવા આવશે તેથી સામાન્ય નાગરિકો માટે ઘઉંની રોટલી સસ્તી થશે.
સરકારી ગોદામોમાં પડેલા અતિરિક્ત 20 લાખ ટન ઘઉં એફસીઆઈ દ્વારા ખુલ્લા બજારમાં વેચવામાં આવશે. સરકારના આ નિર્ણયથી ખુલ્લા બજારમાં ઘઉં અને તેના લોટની કિંમતમાં 30 ટકા જેટલો ઘટાડો થવાની ધારણા છે.