‘મંગળ’ દિવસઃ BSE સેન્સેક્સ, નિફ્ટીમાં નીચલા સ્તરેથી રિકવરી  

અમદાવાદઃ ઘરેલુ શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. જોકે  પ્રારંભિક ઘટાડા પછી મંગળવારનો દિવસ બજાર માટે મંગળમય રહ્યો હતો. બપોર પછી બજારમાં વેચાણો કપાતાં સેન્સેક્સ અને નિફ્ટી તેજી સાથે બંધ થયા હતા. બજારમાં બેન્કિંગ શેરોની આગેવાની હેઠળ શેરોમાં તેજી થઈ હતી. નિફ્ટી બેન્ક ઇન્ડેક્સમાં આશરે બે ટકાની તેજી થઈ હતી. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ સુધરીને બંધ રહ્યા હતા. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2.5 લાખ કરોડનો વધારો થયો હતો.

સ્થાનિક બજારમાં સૌની નજર અમેરિકાની રાષ્ટ્રપતિપદની ચૂંટણી પર છે. આજે મતદાનનો દિવસ છે. જોકે ઓપિનિયન પોલમાં કમલા હેરિસ અને ટ્રમ્પ વચ્ચે કાંટાની ટક્કર હોવાનું માલૂમ પડતાં અને કોણ જીતશે એ પરિણામો બાદ ખબર પડશે, એને લીધે બજારમાં વોલેટિલિટી વધવાની ભીતિ બજારના નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા હતા. જેથી બજારમાં આવનારા સમયમાં ભારે ઉતાર—ઢાવ જોવા મળવાની સંભાવના તેમણે વ્યક્ત કરી હતી.

ઘરેલુ બજારમાં ગઈ કાલના ઘટાડા પછી BSE સેન્સેક્સ 694 પોઇન્ટ વધીને 79,744ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 218 પોઇન્ટ વધીને 24,213ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 331 પોઇન્ટ વધીને 56,115ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી બેન્ક 992 પોઇન્ટ ઊછળીને 52,207ના સ્તરે બંધ થયો હતો.

BSE એક્સચેન્જ પર કુલ 4058 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 2469 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 1476 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 113 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 207 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 22 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.