અમદાવાદ– શેરબજારમાં તેજીની આગેકૂચ રહી હતી. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ ન્યૂઝ પાછળ શેરોની જાતે-જાતમાં તેજીવાળા ખેલાડીઓની નવી લેવાલી આવી હતી, પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 301.09 ઉછળી 33,250.30 બંધ રહ્યો હતો. તેમજ એનએસઈ નિફટી ઈન્ડેક્સ 98.95 ઉછળી 10,265.65 બંધ થયો હતો.એશિયાઈ સ્ટોક માર્કેટની તેજી પાછળ આજે સવારે ભારતીય શેરોના ભાવ અને ઈન્ડેક્સ ઊંચા મથાળે ગેપમાં ખુલ્યા હતા. ત્યાર બાદ નવી લેવાલી ચાલુ રહેતાં ગઈકાલે ઉછાળો આજે વધુ આગળ વધ્યો હતો. મંદીવાળા ઓપરેટરોએ મોટાપાયે વેચાણો કાપ્યા હતા. તેમજ સ્થાનિક નાણાં સંસ્થાઓની ભારે લેવાલી ચાલુ રહી હતી. અને સતત બીજા દિવસે તેજીની આગેકૂચ રહી હતી. આજે તમામ સેકટરના શેરોમાં જોરદાર લેવાલીથી નવો ઉછાળો આવ્યો હતો. નેગેટિવ કારણો વચ્ચે પણ શેરબજારમાં તેજી થતાં માર્કેટ એક્સપર્ટ આશ્યર્ય વ્યક્ત કરતા હતા.