બજેટ-2024: નોકરિયાત વર્ગ માટે બમણી થઈ શકે આ ટેક્સછૂટ, જાણો…

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામન સંસદમાં 22 જુલાઈએ સામાન્ય બજેટ રજૂ કરે એવી શક્યતા છે. મોદી સરકાર 3.0થી સામાન્ય લોકોને બહુ આશા-અપેક્ષાઓ છે, ખાસ કરીને મધ્યમ વર્ગને બજેટથી બહુ અપેક્ષાઓ છે. નાણાપ્રધાન બજેટમાં આ વખતે નોકરિયાતો માટે મોટું એલાન કરે એવી સંભાવના છે. સરકાર સ્ટેન્ડર્ડ ડિડક્શનની મર્યાદા વધારીને રૂ. એક લાખ કરે એવી શક્યતા છે.

સરકારે વર્ષ 2018થી વાર્ષિક રૂ. 40,000ના સ્ટાન્ડર્ડ ડિડક્શનને બજેટ 2018થી ફરી શરૂ કરી હતી, જે પહેલાંના બે ડિડક્શન- ટ્રાવેલ ભથ્થાં (રૂ. 19,200) અને મેડિકલ કાપ (રૂ. 15,000) પ્રતિ વર્ષની જગ્યાએ લાવવામાં આવ્યું હતું.

સરકારે વર્ષ 2019ના વચગાળાના બજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા વધારીને રૂ. 50,000 કરી દીધી હતી. જો મર્યાદા વધારવાની માગ સતત કરવામાં આવી રહી છે. સેલેરીવાળા નોકરિયાત વર્ગ માટે એક ફ્લેટ ટેક્સ કાપ હોય છે. આ કાપ માટે કોઈ કર્મચારીને કંપની કે IT ડિપાર્ટમેન્ટને કોઈ પુરાવા કે દસ્તાવેજ જમા કરવાના હોતા નથી.

નાણાપ્રધાન નિર્મલા સીતારામને પહેલી ફેબ્રુઆરી, 2024એ વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું, જેમાં સરકારી ખજાનાને મજબૂત કરવા સરકારે સંકલ્પ ધ્યાનમાં રાખ્યો હતો. આ ઉપરાંત સરકારે રાજકોષીય ખાધને 2025-26 સુધી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટસ (GDP)ના 4.5 ટકાથી નીચે લાવવાનું લક્ષ્ય રાખ્યું છે. નાણાકીય વર્ષ 2024-25માં GDPના 5.1 ટકા બરાબર રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. દેશની પહેલા મહિલા નાણાપ્રધાન નિર્મલા સીતારામને વચગાળાના બજેટ સહિત છ બજેટ રજૂ કર્યા છે.