નવી દિલ્હીઃ નાણાપ્રધાન બજેટ ભાષણમાં લોકોની નજર ઇન્કમ ટેક્સથી જોડાયેલી જાહેરાતો પર હોય છે. સરકાર આ બજેટમાં ટેક્સપેયર્સને રાહત આપે એવી શક્યતા છે. આ બજેટમાં નવા ઇન્કમ ટેક્સ રિજિમ હેઠળ છૂટની મર્યાદા રૂ. સાત લાખથી વધારીને રૂ. 7.5 લાખ કરવામાં આવે એવી શક્યતા છે. જો આવું થાય તો રૂ. આઠ લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં આપવો પડે. એમાં રૂ. 50,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ સામેલ છે.
એના માટે ફાઇનાન્સ બિલમાં ફેરફાર કરવામાં આવે એવી શક્યતા છે. ગયા વર્ષે બજેટમાં નવા ટેક્સ રિજિમ હેઠળ છૂટની સમર્યાદા રૂ. પાંચ લાખથી વધારીને રૂ. સાત લાખ કરવામાં આવી હતી. એ સાથે ઇન્કમ ટેક્સ સ્લેબ્સની સંખ્યા પણ સાતથી ઘટાડીને છ કરી દેવામાં આવી હતી.
સરકારનું આ વચગાળાનું બજેટ હોઈ ટેક્સપેયર્સને રાહત અપાય એવી શક્યતા છે. મધ્યમ વર્ગને ટેક્સ બેનિફિટ અપાય એવી શક્યતા છે. એસેસમેન્ટ યર 2023-24માં રેકોર્ડ 8.18 કરોડ લોકોએ ITR ભર્યા હતા, જે ગયા વર્ષની તુલનાએ નવ ટકા વધુ છે.
સરકારનું ધ્યાન બજેટમાં વધુ ને વધુ લોકોને બેઝિક વીમા હેઠળ લાવવાનું છે. મધ્યમ વર્ગને હેલ્થ ઇન્શ્યોરન્સ અને ટર્મ ઇન્શ્યોરન્સ પોલિસીની ખરીદી પર ડિડક્શન કલેમ કરવાની જરૂર હશે. આ સાથે PM કિસાન સમ્માન નિધિ યોજનાની જાહેરાત 2019માં કરવામાં આવી હતી. સરકાર આ યોજના હેઠળ ખેડૂતોને રૂ. 6000ની જગ્યાએ રૂ. 8000 આપે એવી શક્યતા છે.