નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામન પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવાના છે. કેન્દ્રીય બજેટ આર્થિક વિકાસને પ્રોત્સાહન આપનારું અને કોરોના રોગચાળા પછી રાજકોષીય ખાધને કાબૂમાં રાખનારું હશે. જોકે વખતે બજેટ સત્ર શરૂ થતાં પહેલાં હલવા સમારોહની પરંપરાને તોડતાં કોરોનાને લીધે કર્મર્ચારીઓને કાર્યસ્થળે લોક-ઇન પહેલાં મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રતિ વર્ષ આ સમયે હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવે છે, પણ હાલમાં રોગચાળાની સ્થિતિને જોતાં આરોગ્યના સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતાં આવું કરવામાં આવ્યું છે.
નાણાપ્રધાન આ વખતે સંસદમાં પેપરલેસ બજેટ રજૂ કરવાનાં છે. બજેટને તૈયાર કરતી વખતે એની જાહેરાત પહેલાં બજેટને તૈયાર કરવામાં સામેલ અધિકારીઓને દર વર્ષે બજેટ પહેલાં હલવા સેરેમની પછી લોક-ઇનમાં રહેવાનું હોય છે. નાણાપ્રધાન દ્વારા સંસદમાં બજેટ રજૂ કર્યા પછી આ અધિકારીઓ અને કર્મચારીઓ પરિવારને મળી શકે છે.