BSE-સ્ટાર-MF પર માર્ચમાં 1.10-કરોડ ટ્રાન્ઝેક્શન્સ; નવો વિક્રમ

મુંબઈ: દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર પ્લેટફોર્મ BSE સ્ટાર MF પર પ્રતિ માસ એક કરોડ ટ્રાન્ઝેક્શન્સનો નવો વિક્રમ સ્થાપિત થયો છે. આ પૂર્વે જાન્યુઆરી, 2021માં 92.98 લાખ ટ્રાન્ઝેક્શન્સના પોતાના જ વિક્રમને આ પ્લેટફોર્મ અતિક્રમી ગયું છે. BSE સ્ટાર MF પ્લેટફોર્મ પર માર્ચ મહિનામાં રૂ.31,464 કરોડના 1.10 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા, જે આગલા મહિનાની તુલનાએ 19 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

નાણાકીય વર્ષ 2020-21માં રૂ.3,33,095 કરોડના 9.38 કરોડ ટ્રાન્ઝેક્શન્સ આ પ્લેટફોર્મે પ્રોસેસ કર્યા છે, જે આગલા વર્ષના 5.75 કરોડ ટ્રાન્ઝેક્શન્સની તુલનાએ 63 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. નાણાકીય વર્ષ 2020-21માં નેટ ઈન્ફ્લો રૂ.22,444 કરોડનો રહ્યો છે. મોબાઈલ એપ પર વર્ષ દરમિયાન રૂ.8,126 કરોડના 15.59 લાખ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા.

માર્ચ 2021 દરમિયાન BSE સ્ટાર MF પ્લેટફોર્મ પર 5.45 લાખ નવા એસઆઈપીનું રજિસ્ટ્રેશન થયું છે, જે અત્યાર સુધીનો સૌથી અધિક આંકડો છે. આ પૂર્વે ફેબ્રુઆરી, 2021માં 4.97 લાખ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા. BSE સ્ટાર MF પર પ્રત્યેક મહિને સરેરાશ 3.68 લાખ એસઆઈપી પ્રોસેસ થાય છે.