મ્યુચ્યુઅલ-ફંડ ઉદ્યોગના નેટ ઈક્વિટી ઈન્ફ્લોમાં બીએસઈ-સ્ટાર એમએફનો ધરખમ હિસ્સો

મુંબઈ તા. 13 જાન્યુઆરી, 2023ઃ ગત ડિસેમ્બર દરમિયાન મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના ઈક્વિટીમાં ચોખ્ખા રોકાણની કુલ આવકમાં 76 ટકા અને એસઆઈપી રજિસ્ટ્રેશનમાં 50 ટકા હિસ્સો  દેશના સૌથી મોટા એક્સચેન્જ આધારિત ઓનલાઈન મ્ચ્યુઅલ ફંડ પ્લેટફોર્મ બીએસઈ સ્ટાર એમએફનો રહ્યો હતો. ઉદ્યોગની ઈક્વિટીમાં ચોખ્ખા રોકાણની ડિસેમ્બર 2022 દરમિયાન રૂ.7,303 કરોડની આવક રહી હતી તેમાં સ્ટાર એમએફનો હિસ્સો રૂ.5,515 કરોડ રહ્યો હતો.

ઉદ્યોગમાં ડિસેમ્બર દરમિયાન 23.24 લાખ નવા એસઆઈપી રજિસ્ટ્રેશન થયાં હતાં તેમાં સ્ટાર એમએફ દ્વારા પ્રોસેસ કરવામાં આવેલાં રજિસ્ટ્રેશનની સંખ્યા 11.67 લાખની રહી હતી.12 ડિસેમ્બર, 2022ના રોજ 37.75 લાખ ટ્રાન્ઝેક્શન્સ પ્રોસેસ કરીને આ પ્લેટફોર્મે પોતાના જ એક દિવસમાં સૌથી વધુ ટ્રાન્ઝક્શન્સ કરવાના 10 ઓક્ટોબર, 2022ના રોજના 34.29 લાખ ટ્રાન્ઝેક્શન્સના વિક્રમને તોડ્યો હતો

બીએસઈ સ્ટાર એમએફે ડિસેમ્બર 2022માં 2.44 કરોડ ટ્રાન્ઝેક્શન્સ પ્રોસેસ કરીને એક મહિનામાં સૌથી વધુ ટ્રાન્ઝેક્શન્સ કરવાના પોતાના નવેમ્બર, 2022ના 2.32 કરોડ ટ્રાન્ઝેક્શન્સના વિક્રમને તોડ્યો હતો.

નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ નવ મહિનામાં પ્લેટફોર્મે 18.72 કરોડ ટ્રાન્ઝેક્શન્સ કર્યા છે, જ્યારે નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન 18.47 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા એ જોતાં પ્લેટફોર્મે 101 ટકાની વૃદ્ધિ હાંસલ કરી છે.

બીએસઈ સ્ટાર એમએફ એપ લોન્ચ કરાયું ત્યારથી અત્યાર સુધીમાં તેના પર 94.95 લાખ ટ્રાન્ઝેક્શન્સ થયા છે.