સપ્ટેમ્બરમાં મ્યુચ્યુઅલ-ફંડ ઉદ્યોગના નેટ ઈક્વિટી ઈન્ફ્લોમાં BSE-સ્ટાર એમએફનો હિસ્સો 74%

મુંબઈ: સપ્ટેમ્બર મહિનામાં પણ બીએસઈ સ્ટાર એમએફની કામગીરી નેત્રદીપક રહી છે અને ઉદ્યોગના રૂ.8,677 કરોડના ચોખ્ખા ઈક્વિટી ઈન્ફ્લોમાં બીએસઈ સ્ટાર એમએફ મારફત આવેલો પ્રવાહ રૂ.6,396 કરોડનો રહ્યો છે, જે ઉદ્યોગના ચોખ્ખા ઈન્ફ્લોમાં 74 ટકા છે. મોટા ભાગના સહભાગીઓ કામકાજ માટે બીએસઈ સ્ટાર એમએફને પસંદ કરતા હોઈ આ શક્ય બન્યું છે, એમ બીએસઈએ જણાવ્યું હતું.

બીએસઈ સ્ટાર એમએફ પર સપ્ટેમ્બરમાં સૌથી વધુ 1.52 કરોડ ટ્રાન્ઝેક્શન્સનો સર્જાયો હતો અને ઓગસ્ટમાં સર્વોચ્ચ ટ્રાન્ઝેક્શનની સંખ્યા 1.41 કરોડની હતી. એ ઉપરાંત સપ્ટેમ્બર મહિનામાં નવા એસઆઈપી રજિસ્ટ્રેશનનો પણ વિક્રમ સર્જાયો હતો. સપ્ટેમ્બરમાં 9.71 લાખ નવા એસઆઈપી નોંધાયા હતા. એ પૂર્વે ઓગસ્ટમાં 9.9 લાખ એસઆઈપીનું રજિસ્ટ્રેશન થયું હતું.

આ પ્લેટફોર્મ પર સંપૂર્ણ નાણાકીય વર્ષ 2020-2021માં જેટલા ટ્રાન્ઝેક્શન થયા હતા એના 83 ટકા તો નાણાકીય વર્ષ 2021-22ના માત્ર છ મહિનામાં થયા છે, જે 7.80 કરોડ છે.