અમદાવાદઃ સપ્તાહના અંતિમ સેશનમાં બજાર રેકોર્ડ સ્તરે બંધ થયાં હતાં. TCSની આગેવાનીમાં IT શેરોમાં લાવ-લાવ રહ્યું હતું. જેથી સેન્સેક્સ એક તબક્કે ઇન્ટ્રા-ડેમાં 996.17 પોઇન્ટ ઊછળી ગયો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સે પણ 24,592ની મહત્તમ સપાટી બનાવી હતી. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.13 લાખ કરોડનો વધારો થયો હતો.
TCSનાં પ્રોત્સાહ ત્રિમાસિક પરિણામોએ IT શેરોમાં ધૂમ તેજી થઈ હતી. જેથી BSE સેન્સેક્સ 622 પોઇન્ટ ઊછળી 80,519ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 186 પોઇન્ટ ઊછળી 24,502ના મથાળે બંધ થયો હતો. મિડકેપ અને સ્મોલકેપમાં નફારૂપી વેચવાલીને પગલે મામૂલી વધીને બંધ રહ્યા હતા. નિફ્ટી ઇન્ડેક્સ આશરે પાંચ ટકા વધ્યો હતો, જ્યારે રિયલ્ટી, ઓટો અને પાવર શેરોમાં દબાણ રહ્યો હતો. BSE પર લિસ્ટેડ બધી કંપનીઓનું કુલ માર્કેટ કેપ હવે રૂ. 452 લાખ કરોડે પહોંચ્યું છે. આ સપ્તાહે બજાર સતત છઠ્ઠા સપ્તાહે તેજી સાથે બંધ થયાં હતાં. 2024માં સતત આ સૌથી મોટી તેજી છે. આ સપ્તાહે નિફ્ટી અને સેન્સેક્સ એક ટકો તેજી સાથે બંધ થયા હતા, જ્યારે નિફ્ટી બેન્ક 0.6 ટકાનું નકારાત્મક વળતર આપ્યું હતું. મિડકેપ ઇન્ડેક્સ 0.2 ટકા તેજી સાથે બંધ થયો હતો. શેરબજારના આંકડા મુજબ વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII)એ ગઈ કાલે લેવાલી કરી હતી અને તેઓ રૂ. 1137 કરોડની ચોખ્ખી કિંમતના શેરોની વેચવાલી કરી હતી.
BSE પર કુલ 4036 શેરોનાં કામકાજ થયાં હતા, જેમાં 1700 શેરોમાં તેજી અને 2233 શેરોમાં મંદી થઈ હતી, પરંતુ 106 શેરોમાં સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 285 શેરો એક વર્ષની ઊંચાઈએ અને 21 શેરો એક વર્ષની નીચલી સપાટીએ પહોંચ્યા હતા. આ સાથે 279 શેરોમાં અપર સર્કિટ અને 274 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.