BSE સેન્સેક્સ, નિફ્ટી બે મહિનાના મહત્તમ સ્તરે

અમદાવાદઃ US ફેડરલે અંદાજ કરતાં વહેલા વ્યાજદરોમાં 0.75 ટકાનો વધારો કર્યો હતો. જોકે ઘરેલુ શેરબજારોમાં તેની સાનુકૂળ અસર પડી હતી. જેથી ઘરેલુ બજારોમાં સાર્વત્રિક લેવાલીએ શેરોમાં લાલચોળ તેજી જોવા મળી હતી. વળી, આવનારા સમયમાં ફેડ દ્વારા વ્યાજદરોમાં વધારાની ઝડપ ઓછી થવાની આશાથી શેરોમાં તેજીનું તોફાન જોવા મળ્યું હતું. જેથી સેન્સેક્સ અને નિફ્ટી પાંચ મે બાદ એના મહત્તમ સ્તરે પહોચ્યા હતા. વળી, ડોલર સામે રૂપિયો ઘસાતો અટક્યો હતો, જેથી વિદેશી ફંડોના આઉટફ્લોમાં ઘટાડો થવાની આશા છે. એશિયન શેરબજારોમાં પણ તેજી જોવા મળી હતી.

દેશમાં સારા ચોમાસા અને સ્થાનિક કંપનીઓનાં મજબૂત ત્રિમાસિક પરિણામોને કારણે શેરબજારોમાં જોરદાર તેજી થઈ હતી. જેથી સેન્સેક્સ 1000 પોઇન્ટ ઊછળી 56,850ની સપાટી વટાવી હતી, જ્યારે નિફ્ટી પણ 276 પોઇન્ટ ઊછળી 16,900ને પાર થયો હતો. BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. ત્રણ લાખ કરોડથી વધુનો વધારો થયો હતો. એટલે કે રોકાણકારોએ એક જ દિવસમાં રૂ ત્રણ લાખ કરોડની કમાણી કરી હતી.

US ઇક્વિટી સ્ટ્રેટેજિસ્ટ અને ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર માઇક વિલ્સને ફેડના વ્યાજદર વધારાને પ્રીમેચ્યોર અને સમસ્યારૂપ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે બજાર ફેડ રેટવધારવાનું અટકાવે અને મંદીના પ્રારંભ વચ્ચે બજારમાં તેજી થાય છે. જોકે ફેડના વ્યાજદરવધારા અને રિસેશન વચ્ચે મોટો ગેપ છે, પણ રોકાણકારઓએ સાવધાન રહેવાની જરૂર છે.