મુંબઈઃ ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન્સ ટેકનોલોજી (ICT)ના નિકાસ ક્ષેત્રને ઉત્તેજન આપવા અને સરકાર તેમ જ ઉદ્યોગ વચ્ચે નીતિ અને ઉત્પાદન આદિના સેતુ તરીકે કામ કરવા BSEએ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્પ્યુટર સોફ્ટવેર એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (ESC) સાથે એક સમજૂતી કરાર (MOU) કર્યો છે, જે હેઠળ દેશના ITC SMEs અને સ્ટાર્ટઅપ્સમાં લિસ્ટિંગના લાભ અંગેની જાગૃતિ લાવવામાં આવશે.
આશરે 2300 નિકાસકારો ICTના મેમ્બર છે, જેમાં કંઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ, કંપોનન્ટ્સ, ઈન્સ્ટ્રુમેન્ટેશન, ટેલિકોમ્યુનિકેશન્સ, કમ્પ્યુટર હાર્ડવેર અને પેરિફેરલ્સ, કમ્પ્યુટર સોફ્ટવેર અને આઈટી-ઈનેબલ્ડ સર્વિસીસના ઉત્પાદકોનો સમાવેશ થાય છે.
આ એમઓયુ મારફત ઈએસસી તેના દેશવ્યાપી નેટવર્કમાંના ઈલેક્ટ્રોનિક્સ અને IT નિકાસકારોના SMEs અને સ્ટાર્ટઅપ્સનું BSE SME અને સ્ટાર્ટઅપ એક્સચેન્જ પર લિસ્ટિંગ માટે આકલન કરશે. ESC તેના ઈન્વેસ્ટર નેટવર્કને BSE SME એક્સચેન્જમાં લિસ્ટેડ SMEsમાં રોકાણ કરવા માટે સહાય કરશે. એ ઉપરાંત BSE અને ESC સંયુક્તપણે SMEs અને સ્ટાર્ટઅપના લિસ્ટિંગ વિશેની જાગૃતિ માટે રોડ શો અને વર્કશોપ્સ યોજશે.
આ એમઓયુ વિશે BSE SME એન્ડ સ્ટાર્ટઅપના હેડ અજય ઠાકુરે કહ્યું કે આ MOUથી અમને ESCના દેશ વ્યાપી ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી નિકાસકારોનું નેટવર્ક ઉપલબ્ધ થશે, જેને પરિણામે લિસ્ટિંગ અંગેની જાગૃતિ ફેલાતાં વધુને વધુ SMEs અને સ્ટાર્ટઅપ્સ તેમના વેપારની વૃદ્ધિ માટે એક્સચેન્જ મારફત ઈક્વિટી મૂડી પ્રાપ્ત કરવા માટે આગળ આવશે.
ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્પ્યુટર સોફ્ટવેર એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન સંદીપ નરૂલાએ કહ્યું કે SMEs, ખાસ કરીને IT SMEsને વિસ્તરણ અને વૈવિધ્યીકરણની અત્યારે વધુ તકો ઉપલબ્ધ છે. દેશનો IT ઉદ્યોગ પ્રારંભિક મુશ્કેલીઓ છતાં વર્તમાન કટોકટીમાં અડીખમ રહ્યો છે અને તેની આ સ્થિતિ ગ્લોબલ ક્લાયન્ટ્સ સાથેની ભાગીદારી મજબૂત કરવામાં મોટો ભાગ ભજવશે. દેશના અર્થતંત્રમાં મહત્ત્વની ભૂમિકા અદા કરવા છતાં SME ક્ષેત્રને અપર્યાપ્ત ધિરાણ, મર્યાદિત મૂડી અને જાણકારીના અભાવ સહિતની ઘણી મુશ્કેલીઓનો સામનો કરવા પડે છે. BSE અને ESC ITC SMEsની મુખ્ય સમસ્યાઓના નિરાકરણ માટે આવશ્યક સંસ્થાકીય કડી બની રહેશે.