બ્લેક મન્ડેઃ રોકાણકારોના રૂ. 17.54 લાખ કરોડ સ્વાહા

અમદાવાદઃ સ્થાનિક શેરબજારોમાં સતત પાંચમા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા બે મહિનામાં શેરબજારમાં ઇન્ટ્રા-ડેમાં સૌથી મોટો કડાકો થયો હતો. સાર્વત્રિક વેચવાલીએ શેરોમાં BSE સેન્સેક્સ 1546 તૂટીને 58,000ની નીચે સરક્યો હતો. જ્યારે NSEનો નિફ્ટી ઇન્ડેક્સ 468.05 પોઇન્ટ તૂટીને 17,149.10ના મથાળે બંધ આવ્યો હતો. છેલ્લા પાંચ દિવસોમાં સેન્સેક્સ 3817.4 અને નિફ્ટીમાં 1159 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. જેથી રોકાણકારોએ પાંચ દિવસમાં રૂ. 17.54 લાખ કરોડ ગુમાવ્યા હતા.  

ગયા વર્ષે 26 નવેમ્બર પછી સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ટ્રા-ડેમાં અત્યાર સુધીમાં સૌથી મોટો ઘટાડો થયો હતો. બજારમાં એક સમયે ભારે વેચવાલીના દબાણને કારણે સેન્સેક્સ 2050 પોઇન્ટથી વધુ તૂટીને 56,984ના સ્તર સુધી તૂટ્યો હતો. જોકે એ પછી વેચાણો કપાતાં સેન્સેક્સ 57,491.51ની સપાટીએ બંધ રહ્યો હતો.

વૈશ્વિક બજારોની નરમાઈ અને ફેડરલ રિઝર્વની મીટિંગ પહેલાં બજારમાં રોકાણકારોએ જોરદાર વેચવાલી કરી હતી. વળી, જાન્યુઆરી કોન્ટ્રેક્ટ સિરીઝનો ગુરુવારે છેલ્લો દિવસ હોવાથી શેરોમાં ઓળિયાં સુલટાવવારૂપી કામકાજ થયાં હતાં. આ ઉપરાંત ફુગાવામાં થતો વધારો અને નાણાં નીતિમાં સખતાઈની ચિંતાઓ વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો સતત પાંચમા દિવસે આગળ ધપ્યો હતો. બપોરના ટ્રેડિંગ સેશનમાં વોલેટિલિટી ઇન્ડેક્સ VIXમાં પણ 25 ટકાનો વધારો જોવા મળ્યો હતો. જેથી રેલિગેર બ્રોકિંગના અજિત મિશ્રાએ કહ્યું હતું કે હજી થોડા દિવસ બજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળશે. રોકાણકારો ફેડની મિટિંગનાં પરિણામોની રાહ જોઈ રહી છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]