બિટકોઇન $47,000ને પાર: આઇસી15-ઇન્ડેક્સ 4,000 પોઇન્ટ વધ્યો 

મુંબઈઃ નાણાકીય વિશ્વમાં બિટકોઇનનો સ્વીકાર થવાની સંભાવનાને પગલે સૌથી મોટી એ ક્રીપ્ટોકરન્સીનો ભાવ સોમવારે ત્રણ મહિનાની ઉપલી સપાટીએ પહોંચ્યો હતો. ચોવીસ કલાકના ગાળામાં બિટકોઇન લગભગ 6 ટકાની વૃદ્ધિ સાથે 47,250 ડોલર થયો હતો.

અમેરિકામાં ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે ફુગાવાને નાથવા માટે વ્યાજદરમાં અનેક વાર વૃદ્ધિ કરવી પડે એવી સંભાવના વ્યક્ત કરતાં સંસ્થાકીય બોન્ડ રોકાણકારોએ ક્રીપ્ટોકરન્સીમાં રુચિ વધારી છે. આગામી મે મહિનામાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં અડધો ટકો વધારો કરે એવી શક્યતા છે.

લ્યુના ફાઉન્ડેશન ગાર્ડે ટૂંકા ગાળામાં 3 અબજ ડોલર મૂલ્યના બિટકોઇન ખરીદવાનો વિચાર જાહેર કર્યો હોવાથી બિટકોઇનના ભાવ વધવા લાગ્યા છે. વીકેન્ડ દરમિયાન આ ફાઉન્ડેશનના બિટકોઇન વોલેટમાં આશરે 1.1 અબજ ડોલર મૂલ્યના કોઇન જમા થયા હતા.

વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટનું કેપિટલાઇઝેશન 2.1 ટ્રિલ્યન ડોલરનો આંક વટાવી ગયું છે. ઈથેરિયમ પણ 6 ટકાની વૃદ્ધિ સાથે 3,300 ડોલરની નજીક પહોંચી ગયો છે.

દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 6.18 ટકા (4,014 પોઇન્ટ) વધીને 68,931 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 64,916 ખૂલીને 69,015 સુધીની ઉપલી અને 64,536 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
64,916 પોઇન્ટ 69,015 પોઇન્ટ 64,536 પોઇન્ટ 68,931

પોઇન્ટ

ડેટાનો સમયઃ 28-3-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)