‘ભારતપે’ છેતરપિંડી કેસઃ ગ્રોવર પતિ-પત્નીને અમેરિકા જતા રોકી દેવાયા

નવી દિલ્હીઃ ફિનટેક (ફાઈનાન્શિયલ ટેક્નોલોજી) કંપની ‘ભારતપે’ દ્વારા કથિતપણે કરાયેલી છેતરપિંડી (કરોડો રૂપિયાના દુરુપયોગ) કેસના સંબંધમાં કંપનીના સહ-સંસ્થાપક અશનીર ગ્રોવર અને એમના પત્ની માધુરી જૈનને વિદેશ જતા અટકાવી દેવામાં આવ્યા છે. દંપતી સામે ઈશ્યૂ કરવામાં આવેલા લૂકઆઉટ સર્ક્યૂલર (LOC)ને પગલે એમને દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અટકાવી દેવામાં આવ્યા હતા. પતિ-પત્ની ગુરુવારે રાતે ન્યૂયોર્ક જઈ રહ્યાં હતાં ત્યારે એમને દિલ્હી પોલીસની આર્થિક ગુનાઓની તપાસ કરતી પાંખ (EoW) દ્વારા ઈશ્યૂ કરવામાં આવેલા લૂક આઉટ સર્ક્યૂલરના આધારે રોકવામાં આવ્યા હતા.

શું મામલો છે? આર્થિક ગુના પાંખ એવી ફરિયાદોમાં તપાસ કરી રહી છે કે ગ્રોવર અને એમના પરિવાર દ્વારા કથિતપણે સંચાલિત બોગસ માનવ સંસાધન કન્સલ્ટન્સી કંપનીઓને ભારતપે કંપની દ્વારા ગેરકાયદેસર રીતે પેમેન્ટ કરવામાં આવ્યું છે. ગયા જૂન મહિનામાં EoW વિભાગે પૈસાના કથિત દુરુપયોગ બદલ ભારતપે સંચાલિત રેઝિલિયંટ ઈનોવેશન પ્રા.લિ. કંપનીને રૂ. 81.3 કરોડનું નુકસાન પહોંચાડવાના આરોપમાં ગ્રોવર દંપતી તથા એમના પરિવારના અન્ય અમુક સભ્યો વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી.

આ મામલો હિતોનાં ટકરાવનો છે. ભારતપેના સંચાલનમાં આર્થિક ગેરરીતિ થયાનું આર્થિક ગુના શાખાની તપાસમાં માલુમ પડ્યું હોવાનો અહેવાલ છે. ગ્રોવરના પરિવાર સાથે સંકળાયેલી આઠ એચ.આર. કન્સલ્ટન્સી કંપનીઓએ બંધ કરી દેવાયેલા બેન્ક ખાતાઓ સાથેના ખોટા બિલ આપ્યા હતા સંભવિત છેતરપિંડી સૂચવે છે. તપાસ પરથી માલુમ પડ્યું છે કે આ અલગ અલગ કંપનીઓ (કે સંસ્થાઓએ) સમાન રજિસ્ટર્ડ સરનામું શેર કર્યું હતું જેનાથી એમની કાયદેસરતા અને સ્વતંત્રતા વિશે ચિંતા ઊભી થઈ છે. આ સંભવિત રીતે હિતોના ટકરાવનો મામલો સૂચવે છે.

ગ્રોવરે X (ટ્વિટર) પ્લેટફોર્મ પર વિસ્તૃત સંદેશમાં લખ્યું છે કે, ‘ગયા મે મહિનામાં એફઆઈઆર નોંધવામાં આવી હતી, પરંતુ તે પછી એમને EoW વિભાગ તરફથી કોઈ સમન્સ મોકલવામાં આવ્યું નથી. દિલ્હી એરપોર્ટ પરથી ઘેર પાછા ફર્યાના સાત કલાક પછી પણ કોઈ સમન્સ કે સંદેશો મળ્યો નથી. હું 16-23 નવેમ્બર સુધી અમેરિકા જતો હતો. ઈમિગ્રેશન ખાતે અધિકારીઓએ અમને કહ્યું કે સાહેબ LOC ઈશ્યૂ કરવામાં આવ્યું છે… અમારે EoW સાથે ચેક કરવું પડશે.’ મને આશ્ચર્ય એ વાતનું છે કે મેં મહિનામાં એફઆઈઆર નોંધવામાં આવી તે પછી હું ચાર વખત વિદેશ જઈ આવ્યો છું, પણ ક્યારેય કોઈ સમસ્યા નડી નહોતી. મને એક વાર પણ સમન્સ મોકલવામાં આવ્યું નથી. એ દરમિયાન અમારી ફ્લાઈટ જતી રહી અને

EoW તરફથી ઈમિગ્રેશનને જણાવવામાં આવ્યું હતું કે અમને બેઉને ઘેર પાછા જવા દેવામાં આવે. આખરે આજે સવારે મને EoW તરફથી મારા ઘેર સમન્સ મોકલવામાં આવ્યું હતું. હું હંમેશની જેમ એમને સહકાર આપીશ.

છેતરપિંડીના આ કેસમાં જો ગ્રોવર, એમના પત્ની માધુરી તથા અન્યો કસુરવાર સાબિત થસે તો એમને 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. 2022ના ડિસેમ્બરમાં ભારતપે કંપનીએ જ સ્થાપક અશનીર ગ્રોવર અને એમના પરિવાર વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં છેતરપિંડી અને કંપનીના નાણાંની ઉચાપત વિશેનો સિવિલ કેસ નોંધાવ્યો હતો. માધુરી જૈન ત્યારે ભારતપેમાં એક વિભાગનાં વડાં હતાં. ફોરેન્સિક ઓડિટમાં અનેક પ્રકારની ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ કરાયા બાદ માધુરીને 2022ના આરંભમાં નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ માર્ચ, 2022માં અશનીરે પણ સીઈઓ પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ ભારતપે કંપનીએ અલ્વારેઝ અને માર્સલ, શાર્દુલ અમરચંદ મંગલદાસ અને PwC કંપનીને કોર્પોરેટ ગવર્નન્સ રીવ્યૂ કરવાની તેમજ એ નક્કી કરવાની જવાબદારી સોંપી હતી કે ગ્રોવરે ઈરાદાપૂર્વક કોઈ ગેરરીતિ તો આચરી નથીને. બાદમાં કંપનીના બોર્ડમાંથી પણ ગ્રોવરની હકાલપટ્ટી કરવામાં આવી હતી.