ફેડ બેઠક અગાઉ શેરબજારમાં વેચવાલી, સેન્સેક્સ 174 પોઈન્ટ ઘટ્યો

અમદાવાદ– શેરબજારમાં સતત બીજા દિવસે નરમાઈ રહી હતી. જો કે આજે લેવાલી અને વેચવાલી એમ બેઉ તરફી કામકાજ વચ્ચે બે તરફી વધઘટ થઈ હતી. ગ્લોબલ માર્કેટના નેગેટિવ સંકેતો, મોંઘવારી દરમાં વધારો, આઈઆઈપી ગ્રોથમાં ઘટાડો અને ગુજરાતની ચૂંટણીના પરિણામોની અનિશ્રિતતા વચ્ચે શેરોની જાતે-જાતમાં દરેક ઊંચા મથાળે વેચવાલી ફરી વળી હતી. પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 174.95(0.53 ટકા) ઘટી 33,053.04 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 47.20(0.46 ટકા) ઘટી 10,192.95 બંધ થયો હતો.અમેરિકાની ફેડરલ રીઝર્વની બેઠકમાં શુ થાય છે, વ્યાજ દરમાં વધારો થાય છે કે નહી તેના પર વિશ્વના બજારોની નજર છે. જે અગાઉ એશિયાઈ અને યુરોપિયન સ્ટોક માર્કેટમાં સાવચેતીરૂપી નરમાઈ જોવાઈ હતી, જેની ભારતીય શેરબજાર પર અસર થઈ હતી. તેજીવાળા ખેલાડીઓએ પ્રોફિટ બુકિંગ ચાલુ રહ્યું હતું. પરિણામે આજે હેવીવેઈટ શેરો એસબીઆઈ, આઈટીસી, ઈન્ફોસીસ, એચડીએફસી, મારૂતિ, એચડીએફસી બેંક અને રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ગાબડા પડ્યા હતા.

  • આજે નરમ બજારમાં પણ ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં નવી લેવાલીથી મજબૂતી જોવાઈ હતી.
  • મેટલ, બેંક, ઓટોમોબાઈલ, ફાર્મા, કેપિટલ ગુડઝ, કન્ઝ્યુમર ડ્યુરેબલ, એફએમસીજી સેકટરમાં વેચવાલીથી નરમાઈ રહી હતી.
  • રોકડાના શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 142.65 ઘટ્યો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 146.07 ઘટ્યો
  • બિટકોઈનના એક્સચેન્જો પર આવકવેરા વિભાગના દરોડા પડ્યા હોવાના સમાચાર હતા. જેથી પણ શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું.
  • પુંજ લોઈડને ગેઈલનો રૂપિયા 275 કરોડનો ઓર્ડર મળ્યો છે. જે સમાચાર પાછળ પુંજ લોઈડમાં ભારે ખરીદીથી તેજી થઈ હતી.
  • ભારતી એરટેલ ડીટીએચ બિઝનેસનો 20 ટકા હિસ્સો વેચશે. ડીટીએચ બિઝનેસનો આ હિસ્સો પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ વારબર્ગ પિંક્સ 35 કરોડ ડૉલરમાં ખરીદશે.
  • યુનિટેકને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. યુનિટેક સામે એનસીએલટીના આદેશ પર સુપ્રીમ કોર્ટે પ્રતિંબધ મુક્યો છે. સરકારે એનસીએલટીમાં જવા પર સુપ્રીમ કોર્ટમાં દુઃખ વ્યક્ત કર્યું છે.