મુંબઈઃ બેન્કનું કામકાજ હોય તો આજે ઝટપટ પતાવી લેજો, કારણ કે આવતીકાલથી છ દિવસમાં પાંચ દિવસ માટે બેન્કોમાં કામકાજ બંધ રહેવાનું છે. જાહેર રજા, સાપ્તાહિક રજા અને હડતાળને કારણે બેન્કો બંધ રહેવાની છે.
આવતીકાલે, 11 માર્ચના ગુરુવારથી છ દિવસની અંદર પાંચ દિવસ માટે બેન્કો બંધ રહેવાની છે. ગુરુવારે મહાશિવરાત્રિ તહેવાર છે. મોટા રાજ્યોમાં આ દિવસે બેન્કોમાં રજા હોય છે. શુક્રવારે બેન્કો ખુલશે. ત્યારબાદ 13 માર્ચના શનિવારે મહિનાનો બીજો શનિવાર છે એટલે બેન્કો બંધ રહેશે. 14મીએ રવિવારની રજા રહેશે. પછી 15 અને 16 માર્ચે બેન્ક કર્મચારીઓની હડતાળ છે. મતલબ કે છમાંથી પાંચ દિવસ બેન્કોની સેવા ઉપલબ્ધ નહીં થાય. કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની બેન્કો અને સરકારી કંપનીઓ વિરુદ્ધ અખત્યાર કરેલી નીતિ સામેના વિરોધમાં બેન્કકર્મચારીઓ આંદોલન પર ઉતરવાના છે. સરકારી બેન્કોને વેચી દેવાની કેન્દ્ર સરકારની નીતિના વિરોધમાં બેન્ક કર્મચારીઓ અને અધિકારીઓ 15-16 માર્ચે હડતાળ પર જવાના છે.