એપલે આઇફોન 12 સિરીઝના 5G સ્માર્ટફોન લોન્ચ કર્યા

નવી દિલ્હીઃ અમેરિકી ટેક કંપની એપલે આઇફોન 12 સિરીઝના સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. એપલે ગઈ કાલે ડિજિટલ ઇવેન્ટ દ્વારા આઇફોન 12 સિરીઝના સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. કંપનીના આ નવા મોબાઇલ ફોન A14 બાયોનિક ચિપ અને 5G ક્નેક્ટિવિટીથી લેસ છે. કંપનીના CEO ટિમ કુકે ઘોષણા કરી હતી કે અમે આઇફોનની પૂરી સિરીઝમાં 5G લાવી રહ્યા છીએ. તેમણે કહ્યું હતું કે આઇફોન માટે આ એક નવા યુગની શરૂઆત છે. એપલે આ વખતે એક, બે નહીં ચાર આઇફોન એકસાથે લોન્ચ કર્યા છે. આઇફોન 12, આઇફોન 12 મિની, આઇફોન 12 પ્રો અને આઇફોન 12 પ્રો મેક્સ- આ ચારે મોબાઇલ ફોનની કિંમત રૂ. 69,900થી રૂ, 1,29,900ની વચ્ચે છે.

આઇફોનના ચાહકોએ નવાં મોડલોની રાહ જોવાની હવે જરૂર નથી. એપલે આ નવો ફોન A14 બાયોનિક ચિપ અને 5G ક્નેક્ટિવિટીથી લેસ છે. જોકે નવા આઇફોનના બોક્સમાં ગ્રાહકોને પાવર એડપ્ટર્સ એટલે કે ચાર્જર નહીં મળે. એક નાના આઇફોન 12 મિનીને પણ લોન્ચ કરવામાં આવ્યા છે. આઇફોન 12 મિની વિશ્વમાં સૌથી નાનો 5G ફોન છે.

 

આઇફોન 12 સિરીઝના સ્માર્ટફોનમાં OLED ડિસ્પ્લેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપનીએ કહ્યું હતું કે આઇફોન 12 સિરીઝમાં A14 બાયોનિક ચિપ અથવા પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એ એને કન્સોલ ક્વોલિટીની ગેમિંગને લાયક બનાવે છે. વળી, આઇફોન 12માં Magsafe વાયરલેસ ચાર્જિંગ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 15 વોટ વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

એપલના આઇફોનની 12 સિરીઝના મોબાઇલ ફોન

એપલના આઇફોન 12 સિરીઝના મોબાઇલ ફોનોમાં આઇફોન 12 મિનીની કિંમત રૂ. 69,900, આઇફોન 12ની કિંમત રૂ. 79,900, આઇફોન 12 પ્રોની કિંમત રૂ. 1,19,900 અને આઇફોન 12 પ્રો મેક્સની કિંમત રૂ. 1,29,900 છે.

સૌથી સ્લિમ, સ્મોલ અને ફાસ્ટ 5G સ્માર્ટફોન

કંપનીનો દાવો છે કે આ વિશ્વના સૌથી સ્લિમ, સ્મોલ અને ફાસ્ટ 5G સ્માર્ટફોન છે. આઇફોન 12 મિની 5.4 ઇંચ સાઇઝવાળા વેરિયન્ટને 699 ડોલરમાં લોન્ચ કરવામાં આવ્યા છે, જ્યારે આઇફોન 12 મિનીના 6.1 ઇંચ સાઇઝવાળા વેરિયેન્ટને 799 ડોલરમાં લોન્ચ કરવામાં આવ્યા છે.

 ભારતમાં 30 ઓક્ટબરથી વેચાણ માટે ઉપલબ્ધ

આઇફોન 12 અને આઇફોન 12 મિની 64GB, 128GB અને 256GB વેરિયેન્ટ અને ચાર કલર ઓપ્શનમાં લોન્ચ થયા છે. જ્યારે આઇફોન 12 પ્રો અને આઇફોન 12 પ્રો મેક્સ 128 GB, 256GB અને 512GB વેરિયેન્ટ અને ગ્રેફાઇટ, સિલ્વર, ગોલ્ડ અને પેસિફિક બ્લુ કલરમાં લોન્ચ થયો છે. એપલ આઇફોન 12 સિરીઝના સ્માર્ટફોન્સનું 30 ઓક્ટોબરથી ભારતમાં વેચાણ શરૂ થઈ જશે.