મુંબઈઃ શેરબજારમાં ખૂબ જ જાણીતી અને વિશ્વસનીય કંપની પ્રભુદાસ લીલાધર ગ્રુપનાં ચેરપર્સન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે અમિષા વોરાએ કાર્યભાર સંભાળી લીધો છે. એમણે ગ્રુપમાં 96 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે. તેઓ એક સમયે 24 ટકા હિસ્સાના માલિક હતાં.
સેબી તથા રિઝર્વ બેન્કે અને ગ્રુપની કંપનીઓના સંબંધિત નિયમનકારોએ ઉક્ત ફેરફારને મંજૂરી આપી છે. દેશનાં બન્ને મુખ્ય સ્ટોક એક્સચેન્જોએ પણ એની નોંધ લીધી છે.
નોંધનીય છે કે અમિષા વોરા અત્યાર સુધી કંપનીના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર હતાં. એમણે ગ્રુપના ચેરપર્સન બન્યા બાદ કહ્યું છે કે પ્રભુદાસ લીલાધર ગ્રુપ ક્લાયન્ટ્સ માટે એમની બચતનું સંપત્તિમાં રૂપાંતર કરવા માટે સતત કાર્ય કરતું રહે એવું મારું ધ્યેય છે. પ્રભુદાસ લીલાધર બ્રાન્ડ વિશ્વાસ, પારદર્શકતા અને મૂલ્યનિષ્ઠા પર રચાયેલી છે. અમે એને ટકાવી રાખીશું.
આગામી એક દાયકા માટેના ધ્યેય વિશે અમિષાબહેને કહ્યું છે કે ગ્રુપ ઊંડાણભર્યા સંશોધન માટે જાણીતું છે. અમે ફાઇનાન્શિયલ સર્વિસીસ ક્ષેત્રે સર્વાંગી મૂલ્યવર્ધિત સેવાઓ આપતાં રહીશું.
છેલ્લા થોડા મહિનાઓમાં અમે બિઝનેસના અલગ અલગ વિભાગોને સંભાળવા માટે ઉદ્યોગમાંથી અનુભવી પ્રોફેશનલ્સની નિમણૂક કરી છે. હંમેશાં ગ્રાહકોને કેન્દ્રમાં રાખીને કાર્ય કરનારું અમારું ગ્રુપ સંશોધનમાં રહેલી નિપુણતાની સાથે આગામી દાયકામાં અદભુત વિકાસ સાધશે એવી મને આશા છે, એમ વોરાએ ઉમેર્યું છે.
આ સાથે જણાવવાનું કે ગ્રુપના ચેરમેન અરુણ શેઠ આયુષ્યનાં 75 વર્ષ અને ગ્રુપમાં 50 વર્ષની સેવા બાદ હવે નિવૃત્ત થઈ રહ્યા છે. જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર દિલીપ ભટ્ટ પણ 22 વર્ષ સેવા આપ્યા બાદ વિદાય લઈ રહ્યા છે. વાઇસ ચેરમેન ધીરેન શેઠ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કાર્યરત રહેશે.
અમિષા વોરા વર્ષ 2000થી પ્રભુદાસ લીલાધર ગ્રુપ સાથે સંકળાયેલાં રહ્યાં છે. તેઓ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે તથા ઈક્વિટી રિસર્ચ, ઇન્સ્ટિટ્યુશનલ સેલ્સ, ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ, કોર્પોરેટ એડવાઇઝરી, રિટેલ બ્રોકિંગ અને વેલ્થ મેનેજમેન્ટ તથા ફંડ્સ મેનેજમેન્ટમાં એકંદરે 35 વર્ષ કરતાં વધુનો અનુભવ ધરાવે છે.