મુંબઈઃ ભારતમાં માલસામાનના વેચાણ કે જુદી જુદી સેવાઓ પૂરી પાડવાના ધંધામાં પ્રવૃત્ત હોય, વેચાણ માટેની ઓફર સ્વીકારતી હોય, ખરીદી માટેનો ઓર્ડર આપતી હોય, ખરીદી માટેનો ઓર્ડર સ્વીકારતી હોય, માલસમાન કે સેવાઓ સપ્લાય કરવા માટે પેમેન્ટ અડધું સ્વીકારતી હોય કે પૂરું, એવી કોઈ પણ વિદેશી ઈ-કોમર્સ કંપનીઓ પર બે ટકાનો વધારાનો વેરો લાદવાના બજેટ પ્રસ્તાવને કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) સંસ્થાએ આવકાર્યો છે.
સર્વિસ પ્રોવાઈડરનું પોતાનું પોર્ટલ ભલે ન હોય તો પણ, જો એ માલસામાનનું વેચાણ કરે, સેવાઓ પૂરી પાડે (પછી ભલે તે સેવા પૂરી પાડે કે ઈ-કોમર્સ ઓપરેટરોને સુવિધા પૂરી પાડે) એમની પર આ વેરો લાગુ થશે એવી બજેટમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. સરકારે આ માટે ફાઈનાન્સ એક્ટ, 2016ની કલમોમાં સુધારા કર્યા છે. આ જોગવાઈ 2020ની 1 એપ્રિલથી લાગુ થશે. તેથી કોઈ પણ પ્રકારના ઓનલાઈન માધ્યમથી ભારતમાં માલસામાનનું વેચાણ કરનાર કે સેવાઓ પૂરી પાડનાર તમામ વિદેશી કંપનીઓએ 2020ની 1 એપ્રિલથી અમલમાં આવે એ રીતે બે ટકાનો વધારાનો વેરો ચૂકવવો પડશે.