નવી દિલ્હીઃ એમેઝોન ગ્રાહકો હવે એના પ્લેટફોર્મથી ટિકિટનું રિઝર્વેશન કરાવી શકશે. ઓનલાઇન કોમર્સ પ્લેટફોર્મે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) સાથે આ સુવિધા આપવા માટે ભાગીદારી કરી છે. આ નવી સુવિધા સાથે એમેઝોન એપ પરથી ગ્રાહકો રેલવેની બધી ટ્રેનોમાં ટિકિટોની ઉપલબ્ધતા અને ક્વોટાની માહિતી મેળવી શકશે. આ સાથે તેઓ એમેઝોન પર સેલ્ફ સર્વિસના વિકલ્પમાંથી PNR સ્ટેટસ (એમેઝોનમાં બુક કરેલી ટિકિટો જ માત્ર) ડાઉનલોડ અને ટિકિટો રદ કરાવી શકશે. કંપનીએ એપ પરથી ટિકિટોનું બુકિંગ કરાવનારા ગ્રાહકો માટે કેશબેકની ઓફરની પણ જાહેરાત કરી છે.
આમાં ગ્રાહકને પહેલી વાર ટ્રેન ટિકિટ બુકિંગ કરાવનારને 10 ટકા કેશબેક એટલે કે રૂપિયા 100 સુધીનું કેશબેક મેળવી શકશે, જ્યારે બીજી બાજુ, પ્રાઇમ મેમ્બર્સ આ ટિકિટ બુકિંગ પર 12 ટકા એટલે કે રૂ. 120 સુધીનું કેશબેક મેળવી શકશે.
પ્રારંભિક ઓફરના ભાગરૂપે એમેઝોન સર્વિસ અને ટ્રાન્ઝેક્શન ચાર્જ માફ કરી દીધો છે. જોકે આ ઓફર મર્યાદિત સમયગાળા માટે માન્ય રહેશે. કંપનીએ એમ પણ કહ્યું હતું કે એમેઝોન પે બેલેન્સ સાથે ચુકવણી કરનારા ગ્રાહકોને બુકિંગના કેન્સલેશન અથવા બુકિંગના ટ્રાન્ઝેક્શન ફેલ થાય તો તાત્કાલિક રિફંડ મળશે.
બંને એન્ડ્રોઇડ અને iOS એપ યુઝર્સ માટે નવા ફીચર્સ ઉપલબ્ધ છે. ગ્રાહકો એમેઝોન પે ટેબ પર ટ્રેન- ટ્રાવેલ કેટેગરીમાં જઈને ટિકિટ્સ બુક કરાવી શકશે. તેઓ સરળતાથી તેમના રૂટ-પ્રવાસની તારીખને પસંદ કરીને ઉપલબ્ધ ટ્રેનોની યાદી મેળવી શકશે. તેમણે ટિકિટ કેન્સલ કરવા માટે ‘યોર ઓર્ડર્સ’ સેક્શનમાં જઈને ટિકિટ રદ કરાવી શકશે. તેઓ 24×7 (ચોવીસ કલાક) એમેઝોન હેલ્પલાઇન પર ફોન અને ચેટ દ્વારા મદદ મેળવી શકશે.
